કાલાવડ તાલુકાના ભાયુ ખાખરિયા, ભાવાભી ખીજડિયા તથા સાતોદડ ગામના ત્રણ શખ્સોએ રાજકોટથી દારૂનો મંગાવેલો જથ્થો બે શખ્સો જંતુનાશક દવાના પાર્સલમાં પેકીંગ કરી હેરાફેરી કરતા હતા ત્યારે કાલાવડ તાલુકાના શીશાંગ ગામ નજીક પોલીસે બે શખ્સોને 276 બોટલ દારૂ અને વાહન સહિત કુલ રૂા.2,92,000 નો મુદ્દામાલ કબ્જે કરી પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં આવેલા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા જીજે-03-બીવી-5015 નંબરની મહેન્દ્રા કંપનીનું માલવાહક વાહન પસાર થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા આ વાહનમાંથી રૂા.1,38,000 ની કિંમતની 276 બોટલ દારૂ મળી આવતા પોલીસે મનોજ ઉર્ફે મનો રામજીભાઈ રાતડિયા (રહે. કર્મચારી સોસાયટી શેરી નં.1 મેલડી માતાજીના મંદિર પાસે, રાજકોટ) નામના શખ્સની અટકાયત કરી તલાસી લેતા મનોજે વાહનમાં દારૂની હેરાફેરી કરવા જંતુનાશક દવાના પાર્સલ સ્વરૂપના પેકીંગ કરી આ પેકીંગના કાચા બિલો રજૂ કરી કાવતરુ આચર્યાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે રૂા.1.38 લાખની કિંમતનો દારૂ અને રૂા.1.50 લાખની કિંમતનું વાહન અને એક મોબાઇલ તેમજ રજૂ કરેલા કાચા બિલો મળી કુલ રૂા.2,92,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે મનોજની પૂછપરછ હાથ ધરતા કાલાવડ તાલુકાના ભાયુ ખાખરિયા ગામમાં રહેતો પ્રતિપાલસિંહ બળદેવસિંહ જાડેજા, ભાવાભી ખીજડિયા ગામમાં રહેતો દિપેન્દ્રસિંહ ઉર્ફે લાલો પરાક્રમસિંહ જાડેજા તથા જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામમાં રહેતો ગીરીરાજસિંહ બળવંતસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોએ રાજકોટમાં કર્મચારી સોસાયટીમાં રહેતા શિવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા પાસેથી 54 હજારની કિંમતની 108 બોટલ દારૂ વેચાણ માટે મંગાવ્યો હતો. આ દારૂ મનોજ ઉર્ફે મનો તેના માલવાહનમાં દારૂની હેરાફેરી કરવા જંતુનાશક દવાના પાર્સલની આડ હેઠળ ડિલેવરી કરવા જતાં સમયે પોલીસના હાથે ઝડપાઇ ગયો હોવાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી મનોજની ધરપકડ કરી અન્ય ચાર શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.