ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું સ્વાભાવિક રીતે જ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. જે 2021-22ના વર્તમાન નાણાકીય વર્ષના અંતે સુધારેલા અંદાજ મુજબ રૂ.3,20,812 કરોડે પહોંચશે. જ્યારે 2022- 23ના અંતે રૂ. 3,49,789 કરોડ, 2023-24ના અંતે રૂ. 4,09,810 કરોડ તથા 2024-25ના અંતે રૂ. 4,49,810 કરોડ ઉપર પહોંચવાની ધારણા સરકારે બજેટ દસ્તાવેજોમાં બાંધી છે. મતલબ કે 2022- 23થી માંડીને ત્રણ વર્ષમાં રાજ્ય સરકારના જાહેર દેવાંમાં રૂ. 1,00,021 કરોડનો જંગી વધારો છે. રાજ્ય સરકારે તેના જાહેર દેવાંનો અંદાજ બતાવવામાં ભારે ચાલાકી કરી છે. સરકારની ગણતરી પ્રમાણે જાહેર દેવું 2020-21ના અંતે રૂ. 2,96,269 કરોડ રહેવાની ધારણા હતી. પરંતુ વર્ષાન્તે તે રૂ.2,541 કરોડ વધીને રૂ. 2,98,810 કરોડ રહ્યું છે. સરકારે 2021-22માં જાહેર દેવાનો સુધારેલો અંદાજ કોરોનાનું વર્ષ છતાંયે રૂ. 6,323 કરોડ ઘટાડીને રૂ.3,20,812 કરોડનું જાહેર દેવું રહેવાનો ખોટો અંદાજ જાહેર કર્યો છે. દેવાની ચુકવણીની રકમ 2020-21ના અંતે વધીને 32 હજાર કરોડ થઈ છે ઉલ્લેખનિય છે કે એવી જ રીતે 2022-23નો અંદાજ પણ રૂ. 3,71,989 કરોડથી ઘટાડીને રૂ. 3,49,789 કરોડ દર્શાવ્યો છે. તથા રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે, 31 માર્ચ, 22ના અંતે જે રૂ. 3,20,812 કરોડનું જાહેર દેવું રહેવાનો અંદાજ છે, તે એકંદર ઘરગથ્થું ઉત્પાદન યાને જીએસડીપીના 16.50 ટકા જેટલું થાય છે.