રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર દાસે આશા વ્યક્ત કરી છે કે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી)ના ખાનગીકરણની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. અમે સરકાર સાથે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને આ સંદર્ભમાં ટૂંક સમયમાં પ્રક્રિયા આગળ ધપાશે.
નાણા પ્રધાન નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2021 -22 માટેનું બજેટ રજૂ કરતી વખતે આ વર્ષે 2 જાહેર ક્ષેત્રની બેંકો અને એક વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે બેંકોના ખાનગીકરણમાં આ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. સીતારામને કહ્યું કે, દરેક બેંક વેચાઈ છે અને ખાનગી થઇ જશે એમ માનવું યોગ્ય નથી. વર્ષોથી, આ બેંકોમાં કામ કરતા કર્મચારીઓના હિતની કાળજી લેવામાં આવશે.
દરેક કર્મચારીઓના પગાર, ધોરણ, પેન્શનની કાળજી લેવામાં આવશે. આ ક્ષેત્રને અનુલક્ષીને, અર્થતંત્રમાં સહકાર આપવા માટે ડિસઇન્વેસ્ટમેન્ટના દરેક એકમ સાથે કાળજી લેવામાં આવી રહી છે. જેથી તકલીફમાં રહેલા એકમો મજબૂત બની શકે અને કાર્ય ચાલુ રાખે, તેમને પૈસા મળી શકે. તેમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ આવવાથી તેઓ વધુ મજબૂત બનશે.
બીજી બાજુ, નીતિ આયોગે ખાનગીકરણ યોજનામાંથી 6 રાજ્યની માલિકીની બેંકોને બાકાત રાખી છે. જેમાં પંજાબ નેશનલ બેંક (પીએનબી) યુનિયન બેંક, કેનેરા બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા અને એસબીઆઈનો સમાવેશ થાય છે. આ બેંક કન્સોલિડેશનના પહેલાના રાઉન્ડનો એક ભાગ હતા. સરકારે ઓગસ્ટ 2019માં 10 બેંકોને 4 બેંકોમાં મર્જ કરી દીધી હતી. આને કારણે દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 27થી ઘટીને 12 થઇ ગઈ છે. આરબીઆઇના ગવર્નર દાસે આજે શુક્રવારે એવું નિવેદન આપ્યું છે કે, વિવાદોની સંભાવનાઓ વચ્ચે પણ બેંકોના ખાનગીકરણની પ્રક્રિયા આગળ વધારવામાં આરબીઆઇ સરકારને સહયોગ આપવા ખુલ્લું મન ધરાવે છે. તેઓએ એમ પણ કહ્યું કે, દેશના આર્થિક ક્ષેત્રમાં ઇનોવેશનની ખાસ આવશ્કયતા છે.