આ વર્ષે ચોમાસાની સીઝનમાં મેઘરાજા જામનગર શહેર ઉપર મહેરબાન હોય તે રીતે મોસમના પ્રથમ વરસાદમાં જ 13 ઈંચ જેટલું પાણી વરસતા શહેરમાં અતિવૃષ્ટિ જેથી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં બે થી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઈ ગયા હતાં. તેમાં પણ ખાસ કરીને વોર્ડ નં.11 ના મોહનનગર, નારાયણનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. પરંતુ આ પાણીનો નિકાલની વ્યવસ્થા ન હોવાથી સાંસદ, બે ધારાસભ્યો અને વોર્ડના કોર્પોરેટરો સહિતનાએ વિસ્તારના લોકો સાથે સંકલન કરી પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ લઇ કામગીરીનો પ્રારંભ કરાતા સુુખદ સમાધાન થયું હતું.
જામનગર શહેરમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જાણે કે મેઘરાજા જામનગર શહેર ઉપર ઓળઘોળ હોય તે રીતે પ્રથમ વરસાદમાં જ 13 ઈંચ પાણી વરસાવી દેતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. 13 ઇંચ વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે ઘણાં બધા વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેવાની સ્થિતિ થઈ હતી. પરંતુ સમયાંતરે વરસાદી વિરામ બાદ પાણીનો નિકાલ થઈ જતો હોય છે. પરંતુ વોર્ડ નં.11 માં આવેલા મોહનનગર અને નારાયણનગર વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે રહેણાંક મકાનોમાં બે થી ત્રણ ફૂટ જેટલા વરસાદી પાણી ઘુસી ગયા હતાં અને રોડ પર પણ પાણી ભરાયેલા રહ્યા હતાં. વરસાદ રોકાયા બાદ પણ પાણીનો નિકાલ ન થતા આ વિસ્તારના લોકોએ રોષે ભરાઈને ગુલાબનગર મેઈન રોડ પર ચકકાજામ કરી દીધો હતો. વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ચકકાજામ કરી દેવાતા વિસ્તારના કોર્પોરેટરો, મેયર, ધારાસભ્યો, મંત્રી અને મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.
પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ સ્થાનિક લોકોની સમસ્યાનું સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યુ હતું. અને ત્યારબાદ આ પાણી ભરાવાની કાયમી સમસ્યાના ઉકેલ માટે ગઈકાલે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા તથા વોર્ડ નં.11 ના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર તપન પરમાર, ધર્મરાજસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, ભાજપા શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા અને સંગઠન મહામંત્રીઓએ મોહનનગર અને નારાયણનગર અને તેમની આજુબાજુના વિસ્તારના લોકો સાથે મહાનગરપાલિકામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં લોકો પાસેથી સૂચનો અને તેમની સમસ્યાઓને આધારે આ સમસ્યાના નિરાકરણ માટે સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રીવાબા જાડેજાની આગેવાની હેઠળ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા રેલવેના અધિકારીઓ સાથે સંયુકત રીતે સંતોષકારક અને સુખદ નિર્ણ્ય લેવામાં આવ્યો હતો. જેમાં આ વિસ્તારમાં દોઢ ફૂટ દિવાલ તોડી અને કેનાલની સફાઈ કરાવી પાઈપલાઈન નાખવા માટેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી હતી. વિસ્તારના લોકોની સમસ્યાઓનો સંતોષકારક અને સુખદ નિરાકરણ આવતા વિસ્તારવાસીઓએ જનપ્રતિનિધિઓનો આભાર વ્યકત કર્યો હતો.