Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઢોર માલિકોને જામ્યુકોની ગીધડ ધમકી

ઢોર માલિકોને જામ્યુકોની ગીધડ ધમકી

બે વ્યકિના મોત છતાં જામ્યુકોએ એક વર્ષમાં એક પણ ફોજદારી કરી નથી, માત્ર ચેતવણીઓ જ આપી છે

જામનગર શહેરમાં રઝળતાં ઢોરની સમસ્યાના ઉકેલની જામ્યુકોનું તંત્ર પણ રેઢિયાળ સાબિત થયું છે. માત્ર દેખાડો કરવા પૂરતી જ કામગીરી કરતું મહાપાલિકાનું તંત્ર કેટલાક ઢોર પકડીને કામગીરી દર્શાવવાનો પ્રયાસ કરે છે અને છાશવારે બેદરકાર ઢોર માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની નરી ગીધડ ધમકી આપ્યા રાખે છે. પરંતુ આવી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જામ્યુકોના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં જામનગર શહેરમાં એક પણ ઢોર માલિક સામે ફોજદારી કે કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ જામ્યુકોની દરેક પ્રેસ યાદીમાં ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવતી રહી છે. અનેક જાહેરનામા અને અનેક ચેતવણીઓ માત્ર ચેતવણી જ બની રહી છે.

- Advertisement -

આ સમય ગાળા દરમ્યાન જામનગર શહેરમાં રઝળતાં ઢોરે રાહદારીઓને અને વાહન ચાલકોને ઢીંકે ચઢાવ્યાના અનેક બનાવો બની ચૂકયા છે. જેમાં બે વ્યકિતના મોત પણ થઇ ચૂકયા છે. તેમ છતાં જામ્યુકોનું તંત્ર આ બાબતે જરા પણ ગંભીર હોય તેવું જણાતું નથી. માત્ર ચેતવણી આપવાનો કોઇ અર્થ રહેતો નથી. જયાં સુધી રઝળતાં ઢોરના માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી જામ્યુકોની કોઇપણ ઝુંબેશનું પરિણામ આવવાનું નથી. તેવું લોકો માની રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular