Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ્રધાનમંત્રી કાલે જામનગરના મહેમાન

પ્રધાનમંત્રી કાલે જામનગરના મહેમાન

જામનગરમાં પ્રધાનમંત્રીનું થશે જોરદાર સ્વાગત : પૂર્વ રાજવી શત્રુશલ્યસિંહજીની શુભેચ્છા મુલાકાત કરે તેવી સંભાવના : પરંપરાગત દવાઓના વૈશ્વિક કેન્દ્રનો કરશે શિલાન્યાસ : ચૂંટણી નજીક હોય ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ

- Advertisement -

જામનગરના ગોરધનપર નજીક પરંપરાગત દવાઓના વૈશ્ર્વિક કેન્દ્રના શિલાન્યાસ માટે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે મંગળવારે જામનગરના મહેમાન બની રહયા છે. જામનગર શહેરમાં તેમના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના માર્ગને સુશોભિત કરી ઠેર-ઠેર પ્રધાનમંત્રીને આવકારતા બેનરો, પોસ્ટરો, હોડિંંગ્સ લગાવવામાં આવ્યા છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચતા પહેલાં તેઓ જામનગરના પૂર્વ રાજવી શત્રુશલ્યસિંહજીના નિવાસસ્થાન પાયલોટ બંગલે તેમની શુભેચ્છા મુલાકાત લ્યે તેવી પણ સંભાવના છે. આ માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે.

- Advertisement -

આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહેલાં પ્રધાનમંત્રી મોદી આવતીકાલે બપોરે જામનગર આવશે. જામનગરમાં તેઓ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા સ્થપાનારા પરંપરાગત ઔષધિઓના વૈશ્ર્વિક કેન્દ્રનો પાયો નાખશે. ગોરધનપર પાસે 35 એકર જગ્યામાં આ વૈશ્ર્વિક સેન્ટર કરોડોના ખર્ચે નિર્માણ પામશે. જે જામનગરને વધુ એક વૈશ્ર્વિક ઓળખ અપાવશે. કાર્યક્રમ સ્થળે તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા દેશ-વિદેશના મહેમાનો માટે અદ્યતન વાતાનુકુલિત ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જયાં બપોરે પ્રધાનમંત્રી શિલાન્યાસ બાદ ઉપસ્થિત મહાનુભાવોને સંબોધન કરશે. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ત્રણ લેયરના આ સુરક્ષાચક્રમાં એસપીજી માંડીને સ્થાનિક પોલીસ સુધીના અધિકારીઓ અને જવાનો ખડેપગે રહેશે. પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓના ભાગરૂપે સ્થાનિક તંત્ર દ્વારા રિહર્સલ પણ કરી લેવામાં આવ્યું છે.

હવે તેમના કાર્યક્રમમાં જો કોઇ ફેરફાર ન થાય તો તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જામનગરવાસીઓ પણ ખૂબ આતુરતા પૂર્વક પ્રધાનમંત્રીના આગમનની રાહ જોઇ રહયા છે. જયારે તેઓ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીની સફર કરશે. ત્યારે માર્ગની બન્ને તરફ શહેરના લોકો તેમજ ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રીની કાર પણ પુષ્પવૃષ્ટિ કરી તેમનું સ્વાગત કરશે. જો કે, શહેરમાં કોઇ સત્તાવાર રોડ શો નું આયોજન કરવામાં આવ્યો નથી. પરંતુ પ્રધાનમંત્રીનો આ ટૂંકો રૂટ કોઇ જાજરમાન રોડ શો થી કમ નહીં હોય. પ્રધાનમંત્રીના આગમનને લઇને સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. તેઓ સાડા ત્રણ વર્ષ બાદ જામનગર પધારી રહેલાં પ્રધાનમંત્રીને આવકારવા થનગની રહયા છે. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા કલેકટર સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ છેલ્લા 4 દિવસથી જહેમત ઉઠાવી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular