કોરોના વેક્સિનેશનનો બીજો ફેઝ આજથી સામાન્ય લોકો માટે શરૂ થાય એ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી છે. તેમણે આજે સવારે અંદાજે 6.30 વાગે દિલ્હી અઈંઈંખજમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાને સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે.
મોદીએ વેક્સિન લગાવતા સમયની હસતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમ, તેમણે વેક્સિન લઈને સામાન્ય લોકોના મનની શંકાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સાથે જ તેમણે વિપક્ષે વેક્સિન અને વડાપ્રધાન સામે ઊભા કરેલા સવાલોનો જવાબ પણ આપી દીધો છે.
મોદીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું છે કે કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવામાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે. હું દરેક યોગ્ય લોકોને અપીલ કરું છું કે તેઓ વેક્સિન લગાવે. આપણે સાથે મળીને દેશને કોરોનામુક્ત બનાવવાનો છે.
આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.
કોરોના રસીકરણના પ્રથમ ફેઝ શરૂ થયા બાદ વિપક્ષના કેટલાક લોકોએ રસી પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે વડાપ્રધાનને પોતે સૌથી પહેલા કોરોનાની રસી લેવી જોઈતી હતી. વિપક્ષે કહ્યું હતું કે કોવેક્સિનને ફેઝ-3ના ટ્રાયલ વિના જ ઈમર્જન્સી મંજૂરી આપવામાં આવી હતી. જો રસી એટલી વિશ્વસનીય છે તો સરકાર સાથે સંકળાયેલા લોકો એનો ડોઝ કેમ નથી લેતા?