ખંભાળિયા પંથકમાં રહેતા એક યુવાન દ્વારા એક યુવતીનું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી અને તેને મેસેજ કરી, પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતા આ પ્રકરણમાં સાયબર સેલ પોલીસે આરોપી શખ્સને દબોચી લીધો.
આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લામાં એક યુવતીને કોઈ શખ્સ દ્વારા સ્નેપચેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે યુવતીના ચોક્કસ નામનું એકાઉન્ટ બનાવી અને આ એકાઉન્ટમાંથી ફરિયાદી યુવતી તથા તેના સગા-સંબંધીઓને મેસેજ કરીને યુવતીને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરવા ઉપરાંત ગાળો આપી અને તેણી સાથે અગાઉ થયેલી વાતચીતના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હોવા અંગેની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આરોપી યુવાન દ્વારા યુવતીની ઓનલાઈન જાતીય સતામણી કરી, અને સમાજમાં બદનામ કરવાના પ્રયાસ સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 354, 504 તથા આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેની તપાસ સાયબર ક્રાઇમ સેલ વિભાગને સોંપવામાં આવી હતી.
આ પ્રકરણમાં આરોપી શખ્સ દ્વારા યુવતીના નામની આઈ.ડી. બનાવીને પ્રેમ સંબંધ બાંધવા ધમકી આપી હોવા ઉપરાંત તેણીના અગાઉના ફોટા તથા મેસેજ સસરા પક્ષ તથા પરિવારને મોકલીને યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી, તેની સગાઈ તોડાવવા કોશિશ કરીને બ્લેકમેઈલ કરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.
આવા પ્રકરણમાં ચિંતાગ્રસ્ત – ભોગ બનનારી યુવતી આત્મહત્યા સુધીનું પગલું ભરી લ્યે તેવી શક્યતા વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.આઈ. એ.વાય. બ્લોચને આ પ્રકરણમાં તાકીદે કડક કાર્યવાહી કરવા સૂચના આપતા આ પ્રકરણમાં સંડોવાયેલા ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા અને ધોરણ 10 સુધીનો અભ્યાસ કરી ચૂકેલા 22 વર્ષના અરવિંદ ઉર્ફે ટીનો હંસરાજભાઈ જોડ નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. તેના મોબાઈલ ફોનમાંથી પોલીસે ચોક્કસ યુવતીના નામનું સ્નેપચેટ આઈડી પણ પુરાવા તરીકે મેળવ્યું છે.
હાલ આ પ્રકરણમાં આગળની તપાસ સાયબર સેલ વિભાગના પીઆઈ એ.વાય. બ્લોચ ચલાવી રહ્યા છે. આ સમગ્ર કામગીરીમાં પી.આઈ. બ્લોચ સાથે એસ.વી. કાંબલીયા, ધરણાંતભાઈ બંધીયા, મુકેશભાઈ કેશરીયા, હેમંતભાઈ કરમુર, રાજુભાઈ ઢેબાણીયા, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી અને મુકેશભાઈ નંદાણીયા પણ સાથે રહ્યા હતા.