સૌરાષ્ટ્રના દરિયાકિનારે બિપરજોય ચક્રવાત ટકરાવવાની શકયતાને પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાઈએલર્ટ કરી દેવામાં આવ્યો છે. ત્યારે વાવાઝોડાની સ્થિતિમાં જાનહાની ન થાય તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતી અને સ્થળાંતરના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં જામનગરમાં આવેલા અંધાશ્રમ આવાસમાં રહેતા દિવ્યાંગ બીમાર વૃદ્ધાની સહારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફ આવી ગયો હતો અને તેમણે વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાત ગુરૂવારે સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી પસાર થવાનું અને હાલની પરિસ્થિતિમાં જખૌ તરફ ફંટાયું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ ચક્રવાત પૂર્વે રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે દરિયાકિનારાના જિલ્લાઓમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે તથા સેનાની ત્રણેય પાંખો, એનડીઆરએફ-એસડીઆરએફ, કલેકટર તંત્ર, પોલીસ વિભાગ, 108 એમ્બ્યુલન્સો, પીજીવીસીએલની ટૂકડીઓ તથા ફુડ પેકેટો સહિતની વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. જેથી આપાતકાલિન સ્થિતિમાં લોકોને જમવાનુ અને પાણી મેળવવા કોઇ તકલીફ ન પડે. વાવાઝોડાની સ્થિતિમાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર શહેરના અંધાશ્રમ આવાસમાં રહેતાં લોકોનું નજીકના સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં આ આવાસમાં રહેતાં એક દિવ્યાંગ બીમાર વૃદ્ધાની તબિયત નાજુક હોવાથી શહેરની સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફ વૃદ્ધાના વહારે આવ્યો હતો અને પોલીસે સરાહનીય કામગીરી દાખવી બીમાર વૃદ્ધાને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
તેમજ અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ વિભાગે સંયુકત રીતે આવાસના રહેવાસીઓને માઈક દ્વારા અપીલ કરી સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી અને આ લોકોને બે દિવસ માટે નજીકમાં આવેલી સ્કુલમાં રહેવા અને જમવાની વ્યવસ્થા માટે ખસેડવામાં આવ્યાં હતાં.
ઉપરાંત જામનગરના ગાંધીનગર બ્રીજ પાસે આવેલા શેલ્ટર હોમ ખાતે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જયાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.