જામનગર જિલ્લાની પાંચ તથા દ્વારકા જિલ્લાની બે મળી હાલારની કુલ સાત બેઠકો માટે ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ હોય બપોરે 3 વાગ્યા બાદ સાતેય બેઠકોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ ચાર ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર પાછા ખેંચ્યા છે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે કુલ 145 ઉમેદવારી પત્રો રજૂ થયા હતાં. જેમાં ચકાસણી બાદ 72 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતાં. તેવી જ રીતે દ્વારકા જિલ્લાની બે બેઠકો પર કુલ 38 ઉમેદવારી પત્રો પૈકી 9 ફોર્મ અમાન્ય ઠરતા 29 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતાં. દરમિયાન આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય, બપોરે 3 વાગ્યા બાદ હાલારની સાતે સાત બેઠકો પર ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ જિલ્લા તંત્ર ઈવીએમ સેટ કરવાની કામગીરીમાં લાગી જશે. જ્યારે અંતિમ મેદાનમાં રહેલા ઉમેદવારો પ્રચાર કાર્યમાં સક્રિયતાથી જોડાઈ જશે. દરમિયાન આજે બપોરે એક વાગ્યા સુધીમાં જામનગર જિલ્લાની પાંચ બેઠકો પૈકી જામજોધપુરની બેઠક પરથી બે અને જામનગર ગ્રામ્યની બેઠક પરથી એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. જ્યારે દ્વારકાની બેઠક પરથી પણ એક ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. મુખ્ય રાજકીય પક્ષો પોતાને નડતા એવા અપક્ષ તેમજ અન્ય પક્ષોના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવા માટે તડજોડ કરી રહ્યા છે.
હાલારની સાત બેઠકો માટે આજે સાંજે ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ
બપોરે એક વાગ્યા સુધીમાં જામજોધપુરમાંથી બે, જામનગર ગ્રામ્યમાંથી એક દ્વારકાની બેઠક પરથી એક ઉમેદવારી પત્ર પરત ખેંચાયું : નડતા ઉમેદવારોને હટાવવા માટે મુખ્ય રાજકીય પક્ષોની તડજોડ ચાલુ