કોલકત્તામાં મહિલા ડૉકટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જામનગરમાં પણ તબીબો દ્વારા આ અંગેનો ઉગ્ર વિરોધ નોંધાવાઇ રહ્યો છે. ગઇકાલે રાત્રે જામનગરની મેડિકલ કોલેજના તબીબો દ્વારા પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળાદહન કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને ત્યારબાદ અંબર ચોકડીથી ડી.કેે.વી. સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. તેમજ આજે ખાનગી હોસ્પિટલો પણ હડતાળમાં જોડાઇ હતી અને 24 કલાકની હડતાળ કરી વિરોધ દર્શાવ્યો હતો.
પશ્ર્ચિમ બંગાળના કોલકતામાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને હત્યાનો બનાવ સામે આવતા તબીબી આલમમાં રોષની લાગણી છવાઇ છે. પશ્ર્ચિમ બંગાળની આર.જી. કાર મેડિકલ કોલેજની આ અત્યંત દુ:ખદ ઘટનાને લઇ દેશભરમાં તબીબોમાં અત્યંત રોષની લાગણી છવાઇ છે. જેને લઇ તબીબો દ્વારા ઠેર-ઠેર કેન્ડલ માર્ચ, રેલી આવેદન સહિતના કાર્યક્રમો યોજાઇ રહયા છે. ત્યારે જામનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તથા તબીબો પણ વિરોધમાં જોડાયા છે. ગઇકાલે સાંજના સમયે મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ ઉ5રાંત અંબર ચોકડીથી ડીકેવી સર્કલ સુધી કેન્ડલ માર્ચ પણ યોજાઇ હતી.
પશ્ર્ચિમ બંગાળની આ અત્યંત ગંભીર દુર્ઘટનાને લઇ ગઇકાલે જામનગરની સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન બાદ આજે ઇન્ડિયડન મેડિકલ એસોસિએશન દવારા પણ આ દુ:ખદ ઘટનાને વખોડી રાષ્ટ્રિય લેવલે આઇએમએ દ્વારા લેવાયેલ નિર્ણય અંતર્ગત જામનગરના ખાનગી હોસ્પિટલોના તબીબો દ્વારા પણ 24 કલાક માટે બંધ પાડી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી એટલે કે, 24 કલાક માટે તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી હતી. આઇએમએ જામનગરના પ્રેસિડેન્ટ ડૉ. ધવલ તલસાણિયા, સેક્રેટરી ડૉ. કૃણાલ મહેતા તથા નેશનલ આઇએમએના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. વિજય પોપટ સહિતના દ્વારા આ દુ:ખદ ઘટનાને સખત શબ્દોમાં વખોડી મહિલા ડૉકટર સાથેની આ અમાનવિય તથા શરમજનક ઘટના પ્રત્યે જાગૃતિ લાવવાની જરૂર હોવાનું પણ જણાવી દુ:ખદ ઘટના પ્રત્યે સખત વિરોધ દર્શાવ્યો હતો.