જામનગર શહેરના આણદાબાવા ચકલા પાસે જૂની તાલુકા સ્કૂલના મેદાનમાં પાર્ક કરેલી ત્રણ જુદી જુદી કારમાંથી અજાણ્યા તસ્કરોએ રૂા.84,000 ની કિંમતના ઓરીજનલ સાયલેન્સરની ચોરી કરી તેના સ્થળે બનાવટી અને હલ્કી ગુણવતાના સાયલેન્સર ફીટ કરી ચોરી કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પીપળાશેરીમાં શત્રુંજય એપાર્ટમેન્ટમાં રહેતાં મહોબતસિંહ જીવુભા જાડેજા નામના યુવાને તેની જીજે-10-ડીજે-5025 નંબરની ઈકો કાર આણદાબાવા ચકલા પાસે જૂની તાલુકા સ્કૂલના મેદાનમાં પાર્ક કરી હતી. ત્યાંથી ગત તા.27 થી 29 ડિસેમ્બર સુધીના બે દિવસના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઈકો કારમાંથી રૂા.45000 ની કિંમતનું ઓરીઝનલ સાયલેન્સર કાઢીને તેના સ્થાને હલ્કી ગુણવતાવાળુ બનાવટી સાયલેન્સર ફીટ કરી દીધું હતું તેમજ આ સ્થળે સંદીપભાઈની જીજે-10-ડીઈ-2459 માંથી 30 હજારનું સાયલેન્સર અને નીતિનભાઈ પઢીયારની જીજે-27-કે-0091 નંબરની ઈકો કારમાંથી રૂા.9 હજારનું સાયલેન્સર મળી કુલ રૂા.84,000 ની કિંમતના ત્રણ જુદાં-જુદાં સાયલેન્સર કાઢીને તેમના સ્થાને હલકી ગુણવતાવાળા બનાવટી સાયલેન્સર ફીટ કરી દીધા હતાં.
ચોરીના બનાવની વિગતની જાણ મહોબતસિંહ દ્વારા કરવામાં આવતા પીએસઆઇ ડી.એસ.વાળા તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સાયલેન્સર ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.