જામનગર વોર્ડ નં.4 ના વિપક્ષી મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ વોર્ડના પડતર પ્રશ્ર્નોના ઉકેલ મામલે જામ્યુકોની આગામી બજેટ બોર્ડમાં આંદોલન કરવાની ચેતવણી આપી છે. બે દિવસમાં તેમના વોર્ડના પ્રશ્ર્નો ઉકેલવામાં નહીં આવે તો બજેટ બોર્ડમાં તેઓ ફરીથી આંદોલન કરશે.
વોર્ડ નં.4 માં કેનાલની દિવાલ બનાવવા મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ખુલ્લી કેનાલની દિવાલ બનાવવામાં આવતી ન હોવાને કારણે ભીમવાસ તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત વોર્ડના નવાગામ ઘેડ વિસ્તારમાં 40% જેટલા વિસ્તારોમાં સફાઈ કરવામાં આવતી નથી કે દવા છંટકાવ કરવામાં આવતો નથી. સફાઈના અભાવે આ વિસ્તારમાં જામેલા ગંદકીના ગંજ ઉપાડવાની તસ્દી પણ કોર્પોરેશન દ્વારા લેવામાં આવતી નથી. 40% જગ્યાઓ પર સફાઈ કામદારો કામ કરવા આવતા નથી. આ અંગે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પાઈપ ગટરના જોડાણ, ખુલ્લી કેનાલમાં આપી દેવામાં આવ્યા છે. જેના કારણે ચોમાસામાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈને લોકોના ઘરમાં ઘુસી જાય છે. જ્યારે નળ વાટે આપવામાં આવતા પાણીમાં લીકેજના કારણે ગંદુ પાણી ભળી જતું હોવાની સમસ્યાનો ઉકેલ પણ લાવવામાં આવ્યો નથી. ત્યારે બે દિવસમાં જામ્યુકોના તંત્ર દ્વારા પડતર સમસ્યાઓ ઉકેલવા અંગે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરી એક વખત સામાન્ય સભામાં આશ્ર્ચર્યજનક રીતે આંદોલન કરવામાં આવશે.


