મોરબીની પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 135થી વધુ દિવંગતોને જામનગર મહાપાલિકા પરિવાર દ્વારા આજે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ટાઉનહોલમાં મૃતકોના માનમાં યોજવામાં આવેલી પ્રાર્થના સભા સંપૂર્ણપણે બિનરાજકીય અને મહાપાલિકા પરિવાર આયોજિત હોવા છતાં વિપક્ષી નેતા સહિતના વિપક્ષી સભ્યો ઉપસ્થિત ન રહેતાં વિવાદ સર્જાયો છે. પ્રાર્થના સભામાં વિપક્ષની ગેરહાજરી અંગે વિપક્ષી નેતા આનંદ રાઠોડે તેમને કોઇ જાણ કરવામાં આવી ન હોવાનો લુલો અને વિચિત્ર બચાવ કર્યો હતો.
મોરબીના મૃતકોના માનમાં યોજાયેલી પ્રાર્થના સભામાં જામનગર મહાપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, કમિશનર વિજય ખરાડી, ડે. કમિશનર ભાવેશ જાની, આસી. કમિશનર કોમલ પટેલ ઉપરાંત જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, સંગઠનના પદાધિકારીઓ તથા સત્તાપક્ષના કોર્પોરેટરો, જુદા જુદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે આ પ્રાર્થના સભામાં બે મિનિટનો મૌન પાડી મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમજ મૃતકોને તમામ સભ્યોએ વારાફરતી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
આજે રાજ્યવ્યાપી શોક અંતર્ગત ગઇકાલે સાંજે જ જામનગર મહાનગરપાલિકા પરિવાર દ્વારા આજે સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન પ્રાર્થના સભા યોજવાનું આયોજન કરી તેની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ કોઇ રાજકીય પક્ષ દ્વારા કે જામ્યુકોમાં સત્તાપક્ષ દ્વારા આયોજિત ન હતો. પ્રાર્થના સભા જામનગર મહાપાલિકા પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવી હતી. તેમ છતાં આજે યોજાયેલી આ પ્રાર્થનાસભામાં વિપક્ષી નેતા સહિતના તમામ વિપક્ષી સભ્યો ગેરહાજર રહ્યાં હતાં. જેના પ્રત્યાઘાતો જામનગર મહાપાલિકામાં પડયા હતાં. કાર્યક્રમ બિનરાજકીય અને માનવીય સંવેદના દર્શાવવા માટેનો હોવા છતાં વિપક્ષી સભ્યો ગેરહાજર રહેતા આશ્ર્ચર્ય સર્જાયું હતું. આ અંગે વિપક્ષી નેતા આનંદ રાઠોડનો સંપર્ક કરતાં તેમણે કાર્યક્રમમાં વિપક્ષની અનઉપસ્થિતિ અંગે પાંગળો બચાવ કર્યો હતો. વિપક્ષની ગેરહાજરી અંગે તેમની પાસે કોઇ ઠોસ કારણ જણાયું ન હતું. ગેરહાજરીના પ્રશ્ર્ન માત્રથી ગેંગે ફે…ફે… થઇ ગયેલા વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, તેમને આ કાર્યક્રમ અંગે કોઇ જાણ કરવામાં આવી ન હતી. બીજીતરફ મોડીરાત્રે તેમને ફોન દ્વારા આ અંગે કહેવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. સ્વાભાવિક રીતે જ પરિવારના કાર્યક્રમમાં ખાસ કરીને દુ:ખદ ઘટનામાં કોઇ આમંત્રણ કે નિમંત્રણની અપેક્ષા ન રાખી શકાય. ત્યારે પ્રાર્થના સભામાં ગેરહાજર રહેવાનું વિપક્ષનું પગલું માત્ર કોર્પોરેશનમાં જ નહીં. સમગ્ર શહેરમાં ટિકાપાત્ર બન્યું છે.