ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ અચાનક જ રાજીનામું આપી દીધા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે તે પહેલા જ રૂપાણીએ તેના હોદ્દા પરથી રાજીખુશીથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. નવા મુખ્યમંત્રીના નામને લઇને તેઓએ જણાવ્યું હતું કે પક્ષ ચર્ચા વિચારણા કરીને નામ નક્કી કરશે. અને પાર્ટી દ્વારા મને જે કામ સોંપવામાં આવશે તે હું કરીશ તેમ વિજય રૂપાણીએ ઉમેર્યું હતું.
વિજય રૂપાણીએ 5વર્ષ અને 1મહિનો સાશન કર્યા બાદ રાજીનામું આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આજે રાત સુધીમાં અમદાવાદ આવશે અને આજે રાત્રે ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામને લઇને ચર્ચા કરવામાં આવશે. અને આવતીકાલ સુધીમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. હાલ ગાંધીનગર કમલમ ખાતે પણ ભાજપના નેતાઓની બેઠક ચાલી રહી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મનસુખ માંડવિયા ભાજપ કાર્યાલય પહોંચ્યા છે.
પાટીદારોના સરદાર ધામ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતાઓ તાત્કાલિક રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. એટલુ જ નહિ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પણ તાત્કાલિક બોલાવી લેવાયા હતા. ત્યારે કોઈ મોટી નવાજૂની સર્જાય તેવી રાજકીય ગતિવિધિ તેજ બની હતી. આખરે વિજય રૂપાણીના રાજીનામાના સમાચારે તમામને ચોંકાવી દીધા હતા.
નવા મુખ્યમંત્રીના નામોમાં નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયાના નામ ચર્ચાઈ રહ્યા છે.


