ભારતમાં વેક્સનેશન શરુ થયાના 11 મહિના બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે રસીનો એક ડોઝ લેનારા લોકોની સંખ્યા કરતાં સંપૂર્ણ વેક્સીનેટેડ થયેલા લોકોની સંખ્યા વધુ છે.
મંગળવારની રાત સુધીમાં ભારતમાં કોવિડ-19 રસીનો એક ડોઝ મેળવનાર લોકોની સંખ્યા 75.54 કરોડ છે. જેમાંથી 38.07 કરોડ લોકો એવા છે જે સંપૂર્ણ વેક્સીનેટેડ થયા છે. અને હજુ 37. 47 કરોડ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. એટલે કે વેક્સિનના બન્ને ડોઝ લેનારની સંખ્યા એક ડોઝ લેનારની સંખ્યા કરતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર દેશમાં અત્યાર સુધી વેક્સિન લેવા યોગ્ય 40.3 ટકાને રસીના બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે 40.2 ટકા લોકોને એક જ ડોઝ લાગ્યો છે. .કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પણ આ માહિતી શેર કરી છે.
ભારત સરકારના આંકડા મુજબ દેશમાં મંગળવારે 61,21,626 લોકોને વેક્સિન અપાઈ હતી જે પૈકી 18.48 લાખ લોકોને પ્રથમ જયારે 42.72 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને વધુ તેજ બનાવવા માટે ઘરે ઘરે જઈને વેક્સિન આપવાના પણ નિર્દેશો આપ્યા છે. સમગ્ર વિશ્વમાં રસીકરણ અભિયાનમાં ભારત આગળ છે. પરંતુ સંપૂર્ણ વેક્સીનેટેડમાં ઘણું પાછળ છે.
વેબસાઈટ Our World in Data મુજબ વિશ્વમાં અત્યાર સુધી સરેરાશ 52 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે. જયારે 40%લોકો સંપૂર્ણ વેક્સીનેટેડ થયા છે.