આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં 6થી 8 ટકાનો વધારો થતાં વસ્તી 700ને પાર પહોંચી ગઈ છે, તેમ રાજયના વન વિભાગના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું. આ વધારો ’પૂનમ અવલોકન’માં નોંધવામાં આવ્યો હતો. કોવિડ-19 મહામારીના કારણે સિંહ ગણતરી 2020ની જગ્યાએ આ વર્ષના જૂન મહિનામાં પ્રથમ વખત આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંહની વસ્તી 710થી 730ની વચ્ચે હોઈ શકે છે. અધિકારીઓએ કહ્યું હતું કે, ગણતરીની કવાયતને વાર્ષિક બનાવવામાં આવશે, જેથી દર પાંચ વર્ષના બદલે દર વર્ષે સંખ્યા પ્રકાશિત કરવામાં આવે. 2020ના પૂનમ અવલોકનમાં સિંહ લેન્ડસ્કેપમાં 2019ની સરખામણીમાં 28.9 ટકાના વધારા સાથે 674 જેટલી સિંહની સંખ્યા નોંધાઈ હતી. વિકાસ દર 2015માં 2010ની સરખામણીમાં 27 ટકા હતો. 2015માં સિંહની સંખ્યા 523 હતી.
અમે હજી પણ ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ’, તેમ ગાંધીનગરમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. ’જો કે, પ્રારંભિક સંકેત એ છે કે સિંહની વસ્તી નિશ્ચિત રીતે 700નો આંકડો પાર કરી ચૂકી છે, જે સંરક્ષણ માટે આરોગ્યપ્રદ સંકેત છે.’ અધિકારીઓએ કહ્યું હતું કે, 2020ની ગણતરીમાં પુખ્ત વયના સિંહ અને પુખ્ત વયની સિંહણનું પ્રમાણ 1:1.61 હતું, જયારે પુખ્ય વયની સિંહણો અને બાળસિંહનું પ્રમાણ 1:0.53 હતું. આ પ્રમાણમાં ધરખમ ફેરફાર થયો નથી.
અધિકારીઓએ ઉમેર્યું હતું કે, સ્તનપાન કરાવતી સિંહણની (એક વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા બાળસિંહ સાથે પુખ્ત વયની સિંહણ) ગણતરી પણ હાથ ધરવામાં આવી હતી. આ ડેટાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જૂન 2020માં પુખ્ય વયની 260 સિંહણમાંથી 23 ટકા સ્તનપાન કરાવતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2021માં થયેલી ગણતરીમાં તે બહાર આવ્યું છે કે, સિંહની સીમા 30 હજાર સ્કવેર મીટરમાં ફેલાયેલી છે અને તેમણે એક વર્ષમાં કોઈ નવા ક્ષેત્ર સાથે જોડાણ કર્યું નથી. 2015માં સિંહનું વિતરણ આશરે 22,000 ચોરસ કિમી વિસ્તારથી વધીને 2020માં 30 હજાર ચોરસ કિમી થઈ ગયું હતું. ગાંધીનગરના અધિકારીઓએ કહ્યું હતું કે, સિંહની સંખ્યા ગીર, મીતયાળા, ગીરનાર અને પાણીયા અભ્યારણ્યમાં સરખી છે. વસ્તી વૃદ્ઘિ મુખ્યત્વે અભ્યારણ્યોના બહારના ક્ષેત્રમાં થઈ રહી છે.