ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ આજે બપોર યોજાશે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અન્ય 19 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે બેઠક કરી હતી, બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે. એમની ભૂમિકા પણ કોઈ પ્રકારે હશે એમ માનવામાં આવે છે.
રૂપાણી સરકારના 22 મંત્રીઓના કદને ઘટાડી 19 મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા સહિત સૌરભ પટેલને રીપિટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીઓને સ્થાન આપવામાં આવી શકે છે.
અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ અથવા વિસનગરના ધારાસભ્ય ઋષીકેશ પટેલને પ્રદિપાસિંહ જાડેજાને બદલે રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બે મહિલાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે. નવા મંત્રીઓમાં સૌથી વધુ 65 વર્ષથી નીચેની ઉંમરના ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલને નાણાં ખાતુ સોંપાય તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણાં નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે. મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જાળવવાનો ભરપૂર પ્રયાસ કરાશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નવા મંત્રીમંડળમાં ઝોનવાઈઝ જોતા ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી દિલીપ ઠાકોર, અમદાવાદમાંથી જગદીશ પટેલ, વિસનગરમાંથી ઋષીકેશ પટેલ, ડીસામાંથી શશીકાંત પંડયા અને પ્રાંતિજમાંથી ગજેન્દ્રાસિંહ ચૌહાણનો સમાવેશ થાય તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતમાંથી વડોદરાના રાવપુરાના રાજેન્દ્ર ત્રિવેદી, હાલોલમાંથી જયદ્રથાસિંહ પરમાર, દેવગઢ બારીયામાંથી બચુભાઇ ખાબડ, ખંભાતમાંથી મયુર રાવલ, નડિયાદમાંથી પંકજ દેસાઇનો સમાવેશ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં ભૂજમાંથી ડો. નિમાબેન આચાર્ય, ભાવનગરમાંથી જીતુભાઇ વાઘાણી, જેતપુરમાંથી જયેશ રાદડિયા, બોટાદના સૌરભ પટેલ, ભાવનગર જિલ્લામાંથી પરષોત્તમ સોલંકી, જામનગર જિલ્લામાંથી હકુભા જાડેજા ઉપરાંત જૂનાગઢ જિલ્લામાંથી જવાહર ચાવડાની પસંદગી થાય તેવી ધારણા છે. દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચના દુષ્યંત પટેલ, બારડોલીના ઇશ્વર પરમાર, સુરતમાંથી હર્ષ સંઘવી, ડાંગમાંથી વિજય પટેલની પસંદગી થાય તેવી શક્યતા છે. જ્યારે પૂર્વ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાને અધ્યક્ષ પદનું સ્થાન સોંપાય તેવી સંભાવના છે. કેટલાક સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવશે.