જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચાશોટી ગામમાં અચાનક પુરના કારણે ભારે વિનાશ સર્જાયો હતો. 14 ઓગસ્ટના આ ઘટનામાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા હતાં. સેંકડો લોકો ગુમ થયા પરંતુ, આ પુર કેવી રીતે આવ્યું ? શું કારણો હતાં તે અંગે રહસ્ય ઘેરા બનતા જાય છે. વૈજ્ઞાનિકો ચિંતિત છે.
14 ઓગસ્ટના 11:30 આસપાસ ચાશોટી ગામમાં એક મોટી ઘટના બની હતી. આ ગામ યાત્રાના માર્ગમાં છે જ્યાં તે દિવસે હજારો યાત્રાળુઓ હાજર રહ્યા હતાં અને અચાનક આવેલા પુરમાં ઘરો, દુકાનો અને એક લંગાર વહી ગયું. 60 થી વધુ લોકો મૃત્યુ પામ્યા. 300 થી વધુ ઘાયલ થયા અને 200 થી વધુ ગુમ થયા હતાં પરંતુ, પ્રશ્ન એ છે કે, કિશ્તવાડમાં બિલકુલ વરસાદ પડયો ન હતો. 15 ઓગસ્ટે માત્ર પાંચ મિ.મી. વરસાદ હતો ત્યારે પુર આવ્યું કેવી રીતે..?

ચાશોટી પુરનું વાસ્તવિક કારણ શું હતું ? તે અંગે વૈજ્ઞાનિકોમાં મતભેદ છે. કેટલાંક નિષ્ણાંતો વાદળ ફાટવાને દોષી ઠેરવી રહ્યા છે જ્યારે અન્ય લોકો ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફલડની શકયતા પર અનુમાન લગાવી રહ્યા છે. શ્રીનગરના હવામાન કેન્દ્રના ડેપ્યુટી ઓફિસર કહે છે કે, પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવું સામાન્ય છે. જ્યાં બે પર્વતો મળે છે ત્યાં એક નાળુ બને છે જ્યાં જુદી જુદી દિશાઓથી આવતા પવન ફસાઈ જાય છે. આ પવનો 4-8 કિલોમીટર સુધી ઉપર તરફ જાય છે. આ સ્થિતિ અડધો કલાક સુધી ચાલુ રહે તો હવામાં ભેજ એટલો વધી જાય છે કે તેના વજનને ટેકો આપી શકતી નથી અને બધુ પાણી અચાનક 50 ચોરસ મીટરના નાના વિસ્તારમાં પડી જાય છે. મીર કહે છે કે, તેથી નજીકના મોનિટરીંગ સેન્ટર પર વરસાદ ઓછો દેખાઈ શકે છે પરંતુ, ઘટના સ્થળે ભારે વરસાદ પડયો હશે. જ્યારે અન્ય નિષ્ણાંતો માને છે કે, ચાશોટીના ઉપરના વિસ્તારમાં ગ્લેશિયર તળાવ તુટવાને કારણે પુર આવ્યું હશે.

ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યા છે. જેનાથી વાતાવરણમાં પલટો આવે છે તાજેતરમાં જ ઉત્તરાખંડના ઘરાલીમાં અચાનક પુર આવ્યું હતું. ત્યાં પણ ખીર ગંગામાં ગ્લેશિયર તળાવ તૂટવાની અને કાદવ પુરની ચર્ચા થઇ હતી. ત્યારે ભારતીય હવામાન શાસ્ત્રીય સોસાયટીના પ્રમુખ ડો. આનંદ શર્મા મીરના નિવેદનનું ખંડન કરે છે. તેઓ કહે છે કે, વરસાદ લાવનારા વાદળો 15-25 કિલોમીટર લાંબા અને પહોળા હોય છે. 50 ચોરસ મીટરમાં વરસાદ શકય નથી, તેઓ માને છે કે, પુર માટે કેચમેન્ટ એરિયામાં વરસાદની તપાસ કરવી જરૂરી છે. હિમાલયના પ્રદેશોમાં હવામાન દેખરેખનો અભાવ એક મોટી સમસ્યા છે. ચાશોટીથી 4 કિ.મી. દૂર આવેલા પહેલગામમાં પણ વધુ વરસાદ પડયો નથી જે શંકાને વધારે છે. ઉપગ્રહો અને ડોટલર રડાર ભારે વરસાદ શોધી શકે છે પરંતુ, ચોકકસ સ્થાન અને સમય જણાવવો મુશ્કેલ છે. જ્યારે કિશ્તવાડમાં વાદળ ફાટયા બાદ લોકોની અવર-જવર સરળ રહે તે માટે ભારતીય સેના દ્વારા ચિશોટી ખાતે કામચલાઉ પુલ બનાવાયો હતો.



