જામનગરના 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાના દરેક તહેવારોની ઉજવણી ગરીબ અનાથ તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવાર વગેરે સાથે કરતા આવે છે, જેના ભાગરૂપે ધુળેટીનું પર્વ જામનગરની આણદાબાવા સેવા સંસ્થા માં અભ્યાસ કરતા મુક-બધીર તથા અન્ય દિવ્યાંગ બાળકો-વડીલોની સાથે રહીને ધૂળેટીનું પર્વ મનાવી પોતાની સંવેદનશીલતા ની અનુભૂતિ કરાવી હતી. આશ્રમમાં રહેતા બાળકોના આવકારથી ધારાસભ્ય દિવ્યેશ અકબરી ભાવુક બન્યા હતા. જેઓની સાથે રંગોત્સવનો પર્વ મનાવ્યા પછી દરેકને મીઠાં મોઢા કરાવાયા હતા.
ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગત વર્ષે ધુળેટીનું પર્વ દિવ્યાંગ બાળકો સાથે જ ઉજવ્યું હતું, જે પરંપરા આ વખતે પણ ચાલુ રાખી હતી અને સવારે 10વાગ્યે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ધુળેટી મનાવવા માટે પહોંચ્યા હતા, ત્યારે આશ્રમના નાના ભૂલકાઓ એ પ્રણામ કરીને ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું, ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી ખૂબ જ ભાવુક બન્યા હતા, અને પ્રત્યેક બાળકોની સાથે રંગોત્સવ નો પર્વ મનાવ્યો હતો, અને પ્રત્યેક બાળકોના જીવનમાં રંગ ભરવાના પ્રયાસો કર્યા હતા. સાથો સાથ વડીલોના પણ આશીર્વાદ મેળવી તેઓની સાથે રંગોત્સવ મનાવ્યો હતો. ત્યારબાદ સર્વે બાળકો- વડીલો ને મીઠાં મોઢા કરાવ્યા હતા અને તમામને માટે અલ્પાહાર ની વ્યવસ્થા ગોઠવી હતી. આ વેળાએ તેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપના અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા અને આશ્રમના બાળકો વગેરેની ખુશીમાં સામેલ થયા હતા.