અબોલ પશુ-પક્ષીઓને સ્થાનિક કક્ષાએથી જ જરૂરી સરવાર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦ ગામ દિઠ એક ફરતા પશુ દવાખાના હેઠળ એમ્બ્યુલન્સની સુવિધા સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવી છે. આ મોબાઇલ પશુ એમ્બ્યુલન્સ ૧૯૬૨ નંબર ડાયલ કરતાની સાથે જ પશુ-પક્ષીને ઘર આંગણે જ તાત્કાલિક સારવાર પૂરી પાડે છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અંબાલા ગામે ઘટેલી આવી જ એક ઘટનામાં યાયાવર પક્ષી પેઇન્ટેડ સ્ટોર્ક (પીળી ચાંચ ઢોંક) કે જે ગંભીર રીતે ઘવાયું હતું તેના માટે આ ૧૯૬૨ પશુ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઇ છે.
આ ઘટનાની વિગત મુજબ જોડિયાના નાથાલાલ સાવરિયાને એક પેઇન્ટેડ સ્ટોર્ક પક્ષી વહેલી સવારે ગામના તળાવના કિનારે ઘાયલ અવસ્થામાં બેઠેલું જોવા મળ્યું હતું. જેની વધુ તપાસ કરતા જણાયું કે આ પક્ષી ગંભિર રીતે ઘાયલ થયું છે તેમજ ઉડી શકવા અસમર્થ છે. અને બરોબર આજ વેળાએ ત્યાંથી પોતાની રૂટ ફરજ પર જઈ રહેલી પશુ એમ્બ્યુલન્સ આ ગામમાંથી પસાર થઈ હતી.ત્યારે નાથાલાલ તથા ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટનાથી પશુવાનના કર્મીઓને વાકેફ કરાયા હતા. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સમાં હાજર વેટરનરી ઓફિસર ડો. ભુમિકાબહેન કાપડીયા તેમજ પાયલોટ રાજદીપસિંહ કંચવા પશુ એમ્બ્યુલન્સ લઇ સ્થળ પર પહોચ્યા હતા. જ્યાં આ પક્ષી વિજ શોકના કારણે ગંભિર રીતે ઘાયલ થવાનું જણાયું હતું અને પક્ષીની બન્ને પાંખોમાંથી લોહી નિકળતું હતું. જેથી ૧૯૬૨ની ટીમ દ્વારા તાત્કાલિક પેઇન્ટેડ સ્ટોર્ક પક્ષીની સારવાર શરૂ કરાઇ હતી અને તેની પાંખોમાં એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ કરીને તેની પાંખોમાંથી વહી જતાં લોહીને બંધ કરવામાં આવ્યુ હતું. તેમજ જરૂરી દવાઓ અને આનુષંગિક સારવાર પુરી પાડી આ યાયાવર પક્ષીને નવજીવન આપવામાં સફળતા મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જામનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૮ પશુવાન એમ્બ્યુલન્સ તથા જામનગર શહેર માટે એક કરુણા એનીમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંની ૧૯૬૨ એમ્બ્યુલન્સે આજદિન સુધીમાં ૮૫,૮૫૬ જ્યારે કરુણા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા ૧૨,૨૧૨ મળી કુલ ૯૮ હજારથી પણ વધુ પશુ-પક્ષીને સારવાર આપવાની તેમજ જીવ બચાવવની કરૂણાસભર કામગીરી પૂર્ણ કરી છે.