જામનગરમાં સૂર્યનારાયણના આકરા મિજાજથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ચૂકયા છે. મહત્તમ તાપમાન ફરીથી 39 ડિગ્રી સુધી પહોંચી જતાં અંગ દઝાડતા તાપ અને લૂ વર્ષાથી શહેરીજનો તોબા પોકારી ઉઠયા છે. જામનગરમાં મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાતાં આકરી ગરમીને પરિણામે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતાં.
જામનગર સહિત રાજ્યભરમાં આકરી ગરમીથી લોકોના હાલ બે-હાલ થઇ ગયા છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં અસહ્ય ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યાં છે. બપોરના અસહ્ય તાપને કારણે આકાશમાંથી અગનગોળા વર્ષી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યાનુસાર મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 27.0 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું.
શહેરમાં આગ ઝરતી ગરમીથી મનુષ્યની સાથે-સાથે પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની ગઇ છે. બપોરના સમયે લોકો બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. જેને પરિણામે રાજમાર્ગો પણ સુમસામ જોવા મળતાં હોય છે. તો બીજીતરફ ગરમીથી બચવા પશુઓ પણ છાયડાની શોધમાં આમ-તેમ ભટકતા રહે છે. રાત્રી દરમિયાન પણ બફારો હોય, લોકોની ગરમીથી હાલત કફોડી બની ગઇ છે. ગરમીનું પ્રમાણ વધતાં રાત્રીની સાથે સાથે બપોરના સમયે પણ એસી-પંખાનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થવા લાગ્યો છે. ગામડાંઓમાં પણ ગરમીનો પારો ઉંચકાતાં મુશ્કેલીનો સામનો થઇ રહ્યું છે. કાલાવડ, ધ્રોલ, જોડિયા, ખંભાળિયા, ભાણવડ, લાલપુર, જામજોધપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરમીને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.
ગરમીનું પ્રમાણ વધતાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સુન કામગીરીને કારણે કરવામાં આવતાં વિજકાપથી લોકોની મુશ્કેલી બેવડાઇ છે. એકતરફ આકરી ગરમી અને બીજીતરફ વિજકાપથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે. તેમજ ગરમીથી રક્ષણ માટે સોડા, શેરડીનો રસ, છાસ-લસ્સી, આઇસ્ક્રીમ, ગોલા, ઠંડાપીણા સહિતની ચીજવસ્તુઓનો સહારો લઇ રહ્યાં છે.