જામનગર શહેર અને જિલ્લામાં રહેતાં લોકોને દર મહિને ત્રણ થી ચાર ટકા જેટલું ચોકકસ વળતર આપવાની લાલચ આપી જામજોધપુરના વણિક વેપારી સહિતના 200 લોકો સાથે જામનગરના બે નિવૃત્ત વેપારી સહિત ત્રણ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરૂ રચી આકર્ષક સ્કિમો આપી બે વર્ષ દરમિયાન રૂા.2,37,50,000ની છેતરપિંડી આચર્યાની જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ બાદ પોલીસે એક શખ્સને ઝડપી લઇ રિમાન્ડ મેળવી અન્ય બે શખ્સોની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં લીમડાલાઈન વિસ્તારમાં સોઢા સ્કૂલ પાસે રહેતાં ભાવેશ પ્રવિણચંદ્ર મહેતાએ મહિલા કોલેજ પાછળ ઈન્દ્રદીપ સોસાયટીમાં રહેતાં નિવૃત્ત શિક્ષક નીઝાર સદરુદીન આડતીયા ખોજા (ઉ.વ.46) અને વાલ્કેશ્વરી સોસાયટીમાં રહેતાં દોલત દેવાંનદાસ આહુજા સિંધી (નિવૃત્ત શિક્ષક) (ઉ.વ.45) નામના ત્રણ શખ્સો એ એકસંપ કરી પૂર્વઆયોજિત કાવતરુ રચી ‘તન્જીલા ટે્રડીંગ કંપની’ નામની એચ યુ એફ પેઢી ઉભી કરી હતી અને આ પેઢી દ્વારા રોકાણકારોને દર મહિને ત્રણ થી ચાર ટકા જેટલું ચોકકસ વળતર આપવાની ખાતરી અને વિશ્ર્વાસ આપ્યો હતો તેમજ રોકાણકારોએ કરેલ રોકાણ અંગેનું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી ચેકો લખી આપ્યા હતાં. જેથી રોકાણકારોમાં વિશ્વાસ રહે તેમજ પૈસા રોકવાની સ્કિમો ચલાવી અન્ય રોકાણકારોને નાણાં રોકવા માટે પ્રોત્સાહિત કરવા આકર્ષક સ્કિમો આપી હતી
.
આવી લોભામણી સ્કિમો અને ચોકકસ વળતર આપવાની ખાતરી અપાતા જામજોધપુરમાં રેલવે સ્ટેશન રોડ પર આરામ ગૃહ શેરી નં.1 માં રહેતાં નોકરી કરતા હિમાંશુ ચંદુલાલ મહેતા નામના યુવાન સહિતના અંદાજે 200 જેટલા લોકોએ આ ઠગ ટોળકીની પેઢીમાં કરોડોનું રોકાણ કર્યુ હતું. રોકાણકારોને શરૂઆતના સમયમાં ચોકકસ વળતર આપવામાં આવ્યું હતું જેથી રોકાણકારોમાં વિશ્ર્વાસ બેસી ગયો હતો. ત્યારબાદ કરોડોનું રોકાણ મળી જતાં આ ઠગ ટોળકીએ ચોકકસ વળતર આપવાનું બંધ કરી દેતાં રોકાણકારો દ્વારા વળતર અને તેને રોકેલા પૈસાની માંગણી કરવામાં આવી હતી પરંતુ, યેનકેન પ્રકારે ટોળકી દ્વારા રોકાણકારોને ન તો પૈસા અપાયા અને ન તો વળતર ચૂકવવામાં આવ્યું…! જેથી જામજોધપુરના વેપારી યુવાન હિમાંશુ મહેતા સહિતનાએ પોલીસ સ્ટેશનમાં ભાવેશ પ્રવિણચંદ્ર મહેતા, નિઝાર સદરૂદ્દીન આડતીયા ખોજા (નિવૃત્ત શિક્ષક) અને દોલત દેવાંનદાસ આહુજા સિંધી (નિવૃત્ત શિક્ષક) નામના ત્રણ શખ્સો સામે પૂર્વ આયોજિત કાવતરુ રચી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટ (ઈન ફાયનાન્સીયલ ઈસ્ટેબ્લીશમેન્ટસ) એકટની 2003 ની કલમ 3 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
છેતરપિંડી પ્રકરણમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઇના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.એન.ચૌહાણ તથા સ્ટાફે તપાસ હાથ ધરી વિદેશ ભાગવાની પેરવી કરતાં ભાવેશ પ્રવિણચંદ્ર મહેતા નામના શખ્સને દબોચી લઇ અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતાં અને અન્ય બે શિક્ષકોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.