મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શિન્દે જૂથ વચ્ચેના વિવાદ પર સુપ્રીમકોર્ટે સુનાવણી કરતાં હવે આ મામલે મોટી બેન્ચને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે બની શકે કે સાત જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરી શકે છે. એટલે કે હવે એમ કહી શકાય કે આ મામલો હાલ પૂરતો ટળી ગયો છે.
સુપ્રીમકોર્ટે આ મામલે સુનાવણી કરતાં વધુમાં કહ્યું હતું કે સ્પીકરે એ ચકાસવાની જરૂર હતી કે અસલ વ્હિપ કોણ છે. ગોગાવલેને વ્હિપ બનાવવાનો નિર્ણય અયોગ્ય હતો. સ્પીકરે અસલ વ્હિપ કોણ છે તે ચકાસ્યા જ નહીં અને નિર્ણય કરી દીધો. સ્પીકરે પાર્ટી દ્વારા નિમવામાં આવેલા વ્હિપને જ માન્યતા આપવાની જરૂર હતી.
સુપ્રીમકોર્ટનો આ નિર્ણય હવે એકનાથ શિન્દેની સરકાર માટે મોટો આંચકો મનાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં શિંદે જૂથે વર્ષ 2022માં બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઈ હતી. મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ અને સરકાર બદલવા માટે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમની બંધારણીય બેંચે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાની બેંચે આ ચુકાદાને સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ કેમ્પે શિંદેના બળવા અને તેમની સરકારની રચનાને ગેરકાયદેસર ગણાવી હતી. આ રાજકીય ઉથલપાથલ બાદ સુપ્રીમ કોર્ટમાં એક પછી એક અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. શિંદે જૂથના 16 ધારાસભ્યોએ સભ્યપદ રદ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જ્યારે શિંદેને મુખ્યમંત્રી બનવા માટે આમંત્રિત કરવાના રાજ્યપાલના નિર્ણય સામે ઉદ્ધવ જૂથે ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.