જામનગર, કાલાવડ ધોરીમાર્ગ પર જગ્ગા ગામ નજીક ટ્રકે ટ્રેકટરને ઠોકર મારતાં ટ્રેકટરમાં એક ડઝન જેટલા શ્રમિકો ઘાયલ થઇ જતાં સારવાર માટે જામાનગરન જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરના કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા જગ્ગા ગામ નજીકથી શ્રમિકોને લઇને જતાં ટ્રેકટરને આજે સવારે પુરજડપે બેફિકરાઇથી આવતાં ટ્રકે ઠોકર મારતાં અકસ્માતમાં ટ્રેકટર રોડ પરથી ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેકટરમાં સવાર મધ્યપ્રદેશના રાજગઢ ગામના વિરસિંહ દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 18), અજય સુનિલ ભાબરીયા (ઉ.વર્ષ 12), સનુબેન પશુભાઇ ભાબરીયા (ઉ.વર્ષ 40), ચંપાબેન દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 15), આરતી સુનિલ ભાબરીયા (ઉ.વર્ષ 10), મીરબેન દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 40), સોના બાપુભાઇ ગુંડિયા (ઉ.વર્ષ 16) સહિત એક ડઝનથી વધુ શ્રમિકોને ઇજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ખેતમજુરી કામ કરતાં હોવાનું જાણવા મળેલ છે. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. બનાવની જાણ થતાં પોલીસે ઇજાગ્રસ્તના નિવેદન લેવા કાર્યવાહી હાથ ધરી હતી.