ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા એક દંપતીને પૈસાની લેતી-દેતી બાબતે ઉઠાવી જનારા ત્રણ શખ્સો તેમજ સાથે બાતમી આપનાર શખ્સ સહિત કુલ ચાર આરોપીઓને વાડીનાર મરીન પોલીસે સલાયાથી દબોચી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ફૈઝલ મામદ હુશેન સુંભણીયા તથા તેમના પત્ની આઈશાબેનનું શુક્રવારે સાંજના સમયે ભરાણા ગામેથી અપહરણ થયાની ધોરણસર ફરિયાદ તેઓના ભાણેજ ફિજાબેન મુસ્લિમભાઈ ભાયા (ઉ.વ. 19) એ વાડીનાર મરીન પોલીસમાં નોંધાવી હતી. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી વિવિધ દિશાઓમાં તપાસ આરંભતા ફૈઝલ સુંભણીયા કે જે આ પ્રકરણના મુખ્ય આરોપી બિલાલ મારાજની ફિશિંગ બોટમાં જખૌ ખાતે કામ કરતો હતો અને બિલાલને ફૈઝલ પાસેથી લ્હેણી નીકળતી રકમ સંદર્ભે આ બનાવ બન્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જે સંદર્ભે વાડીનારના પીએસઆઈ અનિરૂદ્ધધ્ધસિંહ જાડેજા તથા સ્ટાફએ સલાયા ખાતે દોડી જઈ અને અપહરણકાર સલાયાના બિલાલ ઉર્ફે મારાજ કાસમ વિસર તથા તેની સાથે ગયેલા સલાયાના અન્ય બે શખ્સો દાઉદ કાસમ ચમડીયા અને બિલાલ ઉર્ફે ભીખુ આદમની અટકાયત કરી ફૈઝલ તથા તેમના પત્નીને મુક્ત કરાવ્યા હતા.
પોલીસની વધુ તપાસમાં ફૈઝલની રેકી કરી અને તેમની બાતમી આપવા સબબ ભરાણા ગામના મામદ જુમા ચમડિયા નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસે તેની પણ અટકાયત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.