રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી છે. ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસીઝની ફાઈનાન્સિયલ ક્રાઈમ બ્રાંચના કહેવા પ્રમાણે આ ડીલને લઈને લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપોની તપાસ કરવામાં આવશે.
ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેંચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલે અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. 2018ના વર્ષમાં પણ શેરપાએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પીએનએફ દ્વારા તેને ફગાવી દેવામાં આવી હતી. રાફેલ ફાઈટર જેટની ડીલ 7.8 બિલિયન યૂરોની હતી.
મીડિયાપાર્ટના કહેવા પ્રમાણે 14 જૂનના રોજ એક મેજિસ્ટ્રેટ દ્વારા કેસની અપરાધિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસા ઓલાંદ જે રાફેલ ડીલ પર હસ્તાક્ષર સમયે પદ પર હતા અને વર્તમાન ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોન જે તે સમયે નાણા મંત્રી હતા તેમના કામકાજને લઈને પણ સવાલ કરવામાં આવશે. તત્કાલીન રક્ષા મંત્રી અને હવે ફ્રાંસના વિદેશ મંત્રી જીન-યવેસ લે ડ્રિયાન સાથે સંકળાયેલી વાતને લઈને પણ પુછપરછ થઈ શકે છે.
હાલ ડસોલ્ટ એવિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. અગાઉ કંપનીએ ઈંડો-ફ્રેંચ ડીલમાં ગોલમાલ થઈ હોવાનો ઈનકાર કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે સત્તાવાર સંગઠનો દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવે છે. ભારત સાથેની 36 રાફેલની ડીલમાં કોઈ ગોલમાલ નથી થઈ.
ફ્રાંસમાં રાફેલ સોદાની તપાસ 14 જૂનથી ચાલુ છે, કંપની દ્વારા કોઇ પ્રતિક્રિયા નહીં !
અગાઉ ફ્રાંસની સરકારે તપાસની અરજી ફગાવી દીધેલી, આ વખતે તપાસ શરૂ કરવામાં આવી