ગુજરાતભરમાં મર્ડર કેસનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે હાલમાં વધુ એક ઘટના સામે આવી છે. છેલ્લા બે દિવસમાં સુરતમાં હત્યાના બે બનાવો સામે આવ્યા હતા. ત્યારે આજે રોજ વધુ એક હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં કાર લઇને આવેલ આણંદના કુખ્યાત શખ્સની ચપ્પુના ઘા ઝીંકી ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. આ હત્યાના CCTV પણ સામે આવ્યા છે.
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ પાસે આણંદના કુખ્યાત શખ્સ સિદ્ધાર્થ રાવ (ઉ.વ.32)ની સરાજાહેર હત્યાથી ચકચાર મચી જવા પામી છે. તક્ષશિલા આર્કેડ પાસે આણંદનો કુખ્યાત ૩૨ વર્ષીય સિદ્ધાર્થ રાવ કાર લઈને આવ્યો હતો. જેને કારમાં જ અજાણ્યા શખ્સોએ છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી હત્યા નીપજાવી ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને CCTV ફૂટેજણા આધારે અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે.
આણંદ અને વિદ્યાનગરમાં સિધ્ધાર્થના નામે ધાક ધમકી, અપહરણ, લૂંટ અને ઉંચા વ્યાજનું ધીરધાર સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આણંદ શહેરના બાકરોલ રોડ પર આવેલા સિદ્ધાર્થ કુટીરમાં રહેતા નામચીન સિદ્ધાર્થ રાવ ઈનોવા કાર લઈને સુરત રૂપિયા લેવા આવ્યો હતો. રૂપિયા ની લેતી દેતીના વિવાદમાં જ તેની જ હત્યા થઈ હોવાની ચર્ચાઓ થઇ રહી છે.