કેન્દ્ર સરકારે દેશની સુરક્ષા, વિદેશ સંબંધો અને સરકારી આદેશો વિશે ખોટી માહિતી ફેલાવતી યુટ્યુબ ચેનલો પર કડક કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્ર સરકારે 22 યુટ્યુબ ચેનલો બ્લોક કરી દીધી છે. તેમાં ચાર પાકિસ્તાની ચેનલો પણ સામેલ છે. ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટ પણ બ્લોક કરી દેવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ કડક કાર્યવાહી કરી છે. આ તમામ ચેનલો પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે.
આ ચેનલનો ઉપયોગ લોકોમાં ગેરસમજ ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. આ તમામ બ્લોક કરેલી ચેનલ પાસે 260 કરોડ વ્યુઅરશીપ હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું, “ભવિષ્યમાં પણ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતી, જૂઠ ફેલાવતી અને સમાજમાં ભાગલા પાડતી સંખ્યાબંધ ચેનલો સામે કાર્યવાહી કરવામાં આવશે.” મંત્રાલયે અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર અને આ વર્ષે જાન્યુઆરીમાં પણ આવી જ કાર્યવાહી કરી હતી.
એઆરપી ન્યૂઝ, એઓપી ન્યૂઝ, એલડીસી ન્યૂઝ, સરકારી બાબુ, એસએસ ઝોન હિન્દી, સ્માર્ટ ન્યૂઝ, ન્યૂઝ 23 હિન્દી, ઓનલાઈન ન્યૂઝ, ડીપી ન્યૂઝ, પીકેબી ન્યૂઝ, કિસંતક, બોરાના ન્યૂઝ, સરકારી ન્યૂઝ અપડેટ, ભારત મૌસમ, આરજે ઝોન 6, પરીક્ષા રિપોર્ટ , ડીજી ગુરુકુલ અને દિનભર કી ખબરે આ તમામ ભારતીય યુટ્યુબ ચેનલો સરકારે બ્લોક કરી દીધી છે.
પાકિસ્તાની ચેનલોની વાત કરીએ તો, દુનિયા મેરી આગી, ગુલામ નબી મદની, હકીકત ટીવી અને હકીકત ટીવી 2.0 એ યુટ્યુબ ન્યૂઝ ચેનલો છે જેને ભારત સરકાર દ્વારા બ્લોક કરવામાં આવી છે. આટલું જ નહીં, Duniya Mery Aagyની વેબસાઈટ, ટ્વિટર એકાઉન્ટ અને ફેસબુક એકાઉન્ટને પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે, જ્યારે ગુલામ નબી મદની અને હકીકત ટીવીનું ટ્વિટર એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે.