ગુજરાતમાં રાજય સરકારે હાલમાં જ વિધાનસભામાં મંજુર કરેલા ઢોર નિયંત્રણ કાનૂનને પડકારતી માલધારી સમુદાયની રીટ અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. એક તરફ રાજય સરકારે માલધારી સમાજના દબાણ હેઠળ આ કાનૂન અમલ નહી કરવાની ખાતરી ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આપી હતી તેના 24 કલાકમાં જ હાઈકોર્ટે ઢોર નિયંત્રણ કાનૂનને યોગ્ય ગણાવ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રખડતા ઢોરની જવાબદારી માલધારીઓની જ રહેશે. ગુજરાત હાઈકોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં આજે હાઈકોર્ટે આકરુ વલણ કાયમ લીધુ છે અને હવે ઢોર નિયંત્રણનો કાનૂન આવતા જ હાઈકોર્ટે તેને સમર્થન આપી દીધું છે. હાઈકોર્ટે આખરી ચૂકાદામાં જણાવ્યું કે ઢોર રાખવાની અને સાચવવાની જવાબદારી માલધારીઓની જ છે. રોડ પર ઢોર રખડતા રહે તે સ્વીકાર્ય બની શકે નહી. માલધારી સમાજ દ્વારા ઢોર રાખવા માટે શહેર બહાર વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ પણ હાઈકોર્ટે ફગાવી હતી અને જણાવ્યું કે ઢોર રાખવા માટે પુરતી જગ્યાની વ્યવસ્થા કરવાની અને ઢોર રખડતા ન રહે તે માલધારીએ જોવાનું રહેશે. હાઈકોર્ટે જો કે આ કાનુનમાં જે દંડની ઉંચી જોગવાઈ છે તે મુદે સરકાર પાસે જવા સલાહ આપી હતી અને શહેર બહાર ગૌચરની જમીન કે અન્ય કોઈ જમીનમાં ઢોર રાખવા માટેની વૈકલ્પિક જમીન ઉપલબ્ધ બનાવવાની માંગણી પણ ફગાવી હતી. હાઈકોર્ટ દ્વારા તેના ચૂકાદામાં જણાવાયું હતું કે માલધારીઓ પોતાની નૈતિક અને સામાજીક જવાબદારીમાંથી છટકી શકે નહી. માર્ગમાં રખડતા ઢોરો મુશ્કેલી સર્જે તે સ્વીકાર્ય નથી. હાઈકોર્ટના આ ચૂકાદાથી ઢોર નિયંત્રણ કાનૂનને ઢીલો મુકવાની સરકારની મનસા પર પાણી ફરી વળ્યું છે.