દેવભૂમિ દ્વારકા ખાતે અગાઉ ક્યારેય ન બન્યો હોય તેવો બનાવ ગતરાત્રે બનવા પામ્યો છે. જેમાં એક વિધર્મી શખ્સે હિન્દુઓના પવિત્ર કેસરી ધ્વજને સળગાવી હિન્દુ-મુસ્લિમ એકતા તથા શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. આના અનુસંધાને પોલીસે આરોપી શખ્સની તાકીદે અટકાયત કરી જરૂરી પગલા લીધા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યભરમાં ચકચારી બની ગયેલા આ બનાવ અંગેની વિગત મુજબ ગઈકાલે રવિવારે હિંદુઓના પવિત્ર પર્વ શ્રી રામનવમી નિમિત્તે યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ તથા યુવા કાર્યકરોને ટીમો દ્વારા રવિવારે સાંજે પાંચેક વાગ્યે યોજવામાં આવેલી રામ નવમીની શોભાયાત્રા દ્વારકાના તીનબતી ચોક, હોમગાર્ડ ચોક, જોધાભા ચોક, ભથાણ ચોકથી થઈ અને રામ મંદિર ખાતે સાંજે સાતેક વાગ્યે પૂર્ણ કરવામાં આવી હતી.
આ શોભાયાત્રા સંપૂર્ણ થયા વચ્ચે શોભાયાત્રાના રૂટ એવા ભથાણ ચોક વિસ્તારમાં આવેલી જામા મસ્જિદ પાસે એક કેસરી ધ્વજ પડયો હોવાથી દ્વારકાના રહીશ તાહિર હુસેન કારાણી નામના 35 વર્ષીય શખ્સ દ્વારા કથિત રીતે બીજા પાંચ થી છ જેટલા શખ્સોની મદદથી ગેરકાયદેસર મંડળી રચી, પોતાનો સામાન ઈરાદો પાર પાડવાના હેતુથી હિન્દુ ધર્મના ભગવાન શ્રીરામના રામ નવમી તહેવાર નિમિત્તે શોભાયાત્રા બાદ આ સ્થળે કેસરી ધ્વજને સળગાવ્યો હતો. આ શખ્સ દ્વારા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય અને હિંદુ-મુસ્લિમ ધર્મના લોકો વચ્ચેના બંને જૂથ વચ્ચે વૈમનસ્ય તથા દુશ્મનાવટ ઊભી કરવાના હેતુથી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું ફલિત થતું હતું. ઉપરોક્ત શખ્સ દ્વારા હિન્દુ ધર્મનું અપમાન કરવાના ઇરાદાથી તેમજ હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાના ઈરાદાથી હેતુપૂર્વક આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો દ્વારા ચર્ચાઈ રહ્યું હતું.
આ બનાવ બનતા હિન્દુ સમાજના કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ શખ્સને અટકાવતા તેના દ્વારા હુમલો કરી, ઝપાઝપી કરવામાં આવી હોવાનું પણ જાહેર રહ્યું છે. આના અનુસંધાને દ્વારકા પંથકના મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા અને દ્વારકાના પોલિસ સ્ટેશને દોડી ગયા હતા. અહીં જયશ્રી રામના નારા સાથે આરોપી શખ્સ સામે અતિ કડક પગલા લેવાની માંગણી પણ કરવામાં આવી હતી. આ બનાવ બનતાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ પોલીસ દ્વારા આરોપી તાહિર હુસેન કારાણીની અટકાયત કરી લેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે બપોરથી સાંજ સુધી દેશના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિતના મહાનુભાવોનો દ્વારકા પંથકમાં મુકામ રહ્યો હતો. તેઓની વિદાયના થોડા સમય બાદ જ આ ચકચારી બનાવ બનતા પોલીસ દ્વારા સમગ્ર દ્વારકા પંથકમાં મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં આગળની જેમ વાયરલ થયા હતા. આ બનાવના અનુસંધાને દ્વારકા પોલીસે ધીણકી ગામના રહીશ નિલેશભાઈ સાદુરભા સુમણિયા (ઉ.વ. 30) ની ફરિયાદ પરથી તાહિર હુસેન કારાણી સામે આઈ.પી.સી. કલમ 143, 146, 153(એ), 295, 295(એ), તથા 149 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા એક નિવેદન જારી કરી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. આ સમગ્ર બનાવે પોલીસ તંત્રમાં ભારે દોડધામ સાથે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.