આગામી 31 ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જામનગર શહેરમાં પર્યાવરણ અંગે ગ્રિન ટ્રિબ્યુનલના આદેશો અને નિયમોને ધ્યાનમાં રાખી જામનગર મહાપાલિકા દ્વારા ગણપતિ મૂર્તિઓની ઉંચાઇ અને તેની બનાવટ નિર્ધારીત કરવામાં આવી છે. મ્યુ. કમિશનર દ્વારા આ અંગેના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
જે મુજબ મૂર્તિઓ પરંપરાગત માટી અને ગારોનો ઉપયોગ કરીને જ બનાવવાની રહેશે. જેથી તે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય. મૂર્તિઓના કલરમાં રસાયણયુક્ત કલરનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉપરાંત ગણપતિની મૂર્તિ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરીસ, પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત મૂર્તિઓના શણગારમાં ટોક્સિક અને નોનબાયોડિગરેડેબલ કેમિકલ ડાઇનો ઉપયોગ કરી શકાશે નહીં. જ્યારે ગણપતિ મૂર્તિની મહત્તમ ઉંચાઇ 5 ફૂટ સુધીની રાખી શકાશે. મહાપાલિકા દ્વારા શહેરમાં ગણેશની મૂર્તિઓનું સ્થાપન કરતાં પંડાલો, આયોજકો, મંડળો તેમજ વ્યક્તિગત લોકોને પ્રતિબંધિત પદાર્થોથી બનેલી મૂર્તિઓની ખરીદી ન કરવા સૂચના આપવામાં આવી છે. છતાં પણ જો આવી મૂર્તિઓની ખરીદી કરવામાં આવશે તો મહાપાલિકા દ્વારા તે જપ્ત કરવામાં આવશે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
મૂર્તિ નિર્માણ અને સ્થાપન અંગેના નિયમોનો ચુસ્તપણે અમલ કરવાની તાકિદ કરવામાં આવી છે.