બે વર્ષના કોરોના કાળ બાદ રાજયમાં સ્થિતિ હવે સામાન્ય બની છે ત્યારે આગામી નવરાત્રિને લઇને રાજય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બે વર્ષ બાદ રાજયમાં સામાન્ય સ્થિતિમાં ગરબાનું આયોજન કરવા તેમજ રાજયમાં આવેલા 9 શકિત મંદિરમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજય સરકાર અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવા જઇ રહી છે તેમજ અંબાજી, બહુચરાજી સહિતના શકિત મંદિરમાં આ વર્ષે ધામધૂમપૂર્વક નવરાત્રિ અને ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચાલી રહેલાં ગણેશોત્સવમાં લગભગ તમામ નિયંત્રણો દૂર કરી દેવામાં આવ્યા બાદ નવરાત્રિ પણ લોકો ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવે તે દિશામાં રાજય સરકાર સક્રિય બની છે.