ચોમાસાના આખરી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં જેના કારણે સૈારાષ્ટ્રમાં ચારેકોર પાણી પાણી થયુ હતું. ભારે વરસાદને પગલે રાજકોટ, જામનગર,પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ખેતીને ભારે નુકશાન પહોચ્યુ હતું. હવે રાજ્ય સરકાર અતિવૃષ્ટિમાં થયેલાં નુકશાનને પગલે ખેડૂતોને સહાય કરવા ઇચ્છુક છે ત્યારે એકાદ સપ્તાહમાં જ સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે.
આ વર્ષે ગુજરાતમાં કુદરતી આપતિએ ખેડૂતોને નુકશાન પહોચાડયુ છે.અગાઉ ટૈાટે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વિનાશ વેર્યુ હતું જેના કારણે માછીમારો સહિત ખેડૂતોને નુકશાન વેઠવુ પડયુ હતું. તે વખતે રાજ્ય સરકારે ખાસ રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જોકે, રાહત પેકેજને લઇને પણ ખુદ રૂપાણી સરકારના પૂર્વ મંત્રી પુરૂષોતમ સોલંકીએ સરકાર સામે મોરચો માંડયો હતો.
ટૌટે વાવાઝોડા બાદ જ ગુજરાતમાં ચોમાસાના આખરી દિવસોમાં ભારે વરસાદ વરસતાં અતિવૃષ્ટિ જેવી પરિસિૃથતી સર્જાઇ હતી. રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં જ નહીં, સૌરાષ્ટ્રના અન્ય 15 તાલુકાઓમાં પણ ખેતીને ભારે નુકશાન થયુ હતુ. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી ખેડૂતોએ સહાય આપવા રજૂઆતો કરી છે ત્યારે કૃષિ વિભાગે અતિવૃષ્ટિ થયેલાં વિસ્તારોમાં નુકશાનના સર્વે હાથ ધર્યો છે. બે દિવસમાં સર્વેનો રિપોર્ટ આવી જશે તે રિપોર્ટ આધારે જ રાહત સહાય પેકેજ નક્કી કરાશે. આ ઉપરાંત સંપૂર્ણ નુકશાન થયેલાં તાલુકા અને ગામને એકમ તરીકે જાહેર કરવામાં આવશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ વાતને સમર્થન આપ્યુ છે. રાહત સહાય માટે ત્રણ મંત્રીઓની કમિટી પણ રચાઇ છે જેમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને નાણાં મંત્રી કનુ દેસાઇનો સમાવેશ કરાયો છે. ખેડૂતોને એસડીઆરએફના ધારાધોરણો આધારે સહાય આપવા સરકાર વિચારણા કરી રહી છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના ટેકાના પુરતા ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ બની છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ કેબિનેટની બેઠક પૂર્ણ કર્યા બાદ દિલ્હી જશે. કૃષિ મંત્રી રાઘવજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે ય મુલાકાત કરશે. દિલ્હી ખાતે આયોજિત બેઠકમાં કૃષિ મંત્રી ટેકાના ભાવની ખરીદી સહિત કૃષિ વિભાગને લગતાં પ્રશ્ર્નો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરશે.