ભાદરવા સુદ ચોથ એટલે કે આજે ગણેશ ચતુર્થી છે. સૌરાષ્ટ્રભરમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. સુપ્રસિદ્ધ સપડા ગણપતિ મંદિરે ગણેશચતુર્થી નિમિત્તે ભાવિકભકતોનો ભારે પ્રવાહ ઉમટયો હતો. ગઈકાલે ગુરૂવારની રાત્રે જ ગણેશભકતો સપડા દર્શનાર્થે નીકળ્યા હતાં.
જામનગરથી સપડા સુધી લોકો પગપાળા પણ ગયા હતાં. સપડા ખાતે વહેલીસવારથી જ ગણેશભકતોની લાંબી કતારો લાગી હતી. મોડી રાત્રીથી નિકળેલા પદયાત્રીઓ માટે માર્ગમાં સરબત, પ્રસાદી વિતરણ સહિતના કેમ્પનું પણ આયોજન કરાયું હતું. ગણેશભકતોએ કતારમાં ઉભા રહીને પણ સપડાના ગણેશજીના દર્શન કરી તેમજ આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.