આજના યુગમાં માનવી પાસે બધું છે પણ સમય નથી. તેમાં પણ વધી રહેલા ડીજીટલ યુગના પરિણામે લોકો એક બીજાથી મળવાનું પણ ટાળે છે. એક છત નીચે રહેતા પરિવારના સભ્યો પણ એક બીજાથી દુર થઇ રહ્યા છે. કારણકે . માતાપિતા નોકરી પર અને સંતાનો શાળા તથા કોલેજ બાદ મોબાઈલમાં ખોવાયેલા રહે છે. આવામાં એકબીજા સાથે વાતચીત કરવાનો સમય જ રહેતો નથી. પરંતુ જુનાગઢમાં દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી બની છે. જેમાં વાતચિત કરવા માટે માણસો હશે.
જૂનાગઢની કલેક્ટર ઓફિસ ખાતે હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ છે, જે દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી છે. જ્યાં વાત કરવા માટે માણસ હશે. સામાન્ય રીતે લાઈબ્રેરી માંથી લોકો બુક ઇસ્યુ કરતા હોય છે. પરંતુ આ હ્યુમન લાઈબ્રેરીમાં બોલવા માટે માણસ ઈશ્યુ કરી શકાય છે. હાલ આ સુવિધા માત્ર સરકારી કર્મચારીઓ માટે જ છે, પરંતુ બાદમાં સામાન્ય નાગરિકો માટે પણ શરૂ થશે.
ઘણીવાર એવુ બને છે કે વ્યક્તિ પોતાના મનની વાતો કોઈને કહેતો નથી. જેની અસર તેના કામ પર પણ પડે છે. આ સાથે જ અધિકારીઓ મોબાઈલનો ઉપયોગ ઓછો કરે તે હેતુથી લાઈબ્રેરી શરુ કરવામાં આવી છે, તેમ જુનાગઢના કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા ડેન્માર્કમાં આ પ્રકારની લાઈબ્રેરીનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો, જે સફળ નીવડ્યો હતો. જેને ધ્યાને લઈને જુનાગઢના કલેકટર રચિત રાજને હ્યુમન લાઈબ્રેરી શરુ કરવાનો વિચાર આવ્યો હતો.