ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી- 20 સિરીઝની આજે ત્રીજી મેચ છે. મેચ હૈદરાબાદમાં રમાવાની છે. હાલ બંન્ને ટીમ સિરીઝમાં 1-1 મેચ જીતી ચૂકી છે. ટીમ ઈન્ડિયાને ભારતની ધરતી પર હરાવવું પડકાર જનક છે પરંતુ ઓસ્ટ્રેલિયા દરેક સિરીઝમાં ભારતને ટક્કર આપે છે.
2013 પછી ટીમ ઈન્ડિયા ભારતની ધરતી પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોઈ પણ T20 સિરીઝ જીતી શક્યું નથી. છેલ્લી વખત 2013માં 1-0થી ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ત્યાર બાદ 2017માં થયેલી T20 સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. 2019માં છેલ્લી વખત T20 સિરીઝ રમાઈ હતી, જે ઓસ્ટ્રેલિયાની ટીમે 2-0થી જીતી હતી.
આ સિરીઝની વાત કરીએ તો મોહાલીમાં રમાયેલી પહેલી t20 ઓસ્ટ્રેલિયાએ પોતાને નામ કરી હતી. નાગપુરમાં રમાયેલી બીજી મેચને ભારતની ટીમે જીતી દમદાર વાપસી કરી હતી.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બે T20 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયા એક મેચ જીતી છે, અને એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ઓસ્ટ્રેલિયા 2017માં આ મેદાનમાં મેચ રમવા ઉતરી હતી પરંતુ તે મેચ એક પણ બોલ ફેંકાયા વગર રદ થઈ ગઈ હતી.