Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં તહેવારોનું હેંગઓવર પૂરૂં, હવે બદલો વિકાસની ગાડીનો ગિયર

જામનગરમાં તહેવારોનું હેંગઓવર પૂરૂં, હવે બદલો વિકાસની ગાડીનો ગિયર

દિવાળી ગઇ અને દેવદિવાળી પણ ગઇ. તહેવારોની સીઝન હવે પૂરી થઇ ગઇ છે ત્યારે ઉત્સવની ઉજવણીનો હેંગઓવર દૂર કરવાનો સમય પાકી ગયો છે. જામનગર શહેરમાં ચાલતા વિકાસ કામોમાં તહેવારોને કારણે આવેલી સુસ્તી દૂર કરી જામ્યુકોના તંત્રએ કામોની ગતિને વેગ આપવા માટે હવે ગિયર બદલવો પડશે.

- Advertisement -

છેલ્લા ઘણાં સમયથી જામનગર શહેરમાં કરોડોના મોટાં મોટાં પ્રોજેક્ટના કામો ચાલી રહ્યાં છે. જેમાં ફલાયઓવર, ગૌરવપથ, સિક્સલેન રોડ, રીંગ રોડ, લાલપુર બાયપાસ ઓવરબ્રીજ સહિતના કામોનો સમાવેશ થાય છે. તહેવારોને કારણે આ પ્રોજેક્ટ પર કામ કરતાં મજૂરો તથા અન્ય કામદારો પોતાના વતન કે રજામાં ચાલ્યા ગયા હોય, છેલ્લા એક મહિનાથી કામમાં ભારે સુસ્તી જોવા મળી રહી છે. ખૂબ જ ધીમી ગતિએ કેટલીક જગ્યાએ તો ગોકળગાયની ગતિએ કામ આગળ ધપી રહ્યાં છે. ખાસ કરીને જામનગરના મહત્વાકાંક્ષી એવા ફલાયઓવર પ્રોજેક્ટમાં ફલાયઓવરનું મુખ્ય કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે, પરંતુ તેને આનુસંગિક કામ જેવા કે, સર્વિસ રોડ, સાત રસ્તા સર્કલ, બ્રીજની નીચે પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓના કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત સરૂ સેકશન માર્ગને ગૌરવપથ બનાવવાનું કામ પણ લાંબા સમયથી ચાલી રહ્યું છે. ગૌરવપથનું કામ પણ સાવ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. લગભગ આવી જ સ્થિતિ શહેરની બન્ને તરફના એન્ટ્રી માર્ગો એટલે કે ધુંવાવ તરફથી ગુલાબનગર સુધી અને ખંભાળિયા બાયપાસથી સમર્પણ હોસ્પિટલ સુધીના માર્ગના વિસ્તૃતિકરણના કામમાં જોવા મળી રહી છે. આ બન્ને તરફના એન્ટ્રી માર્ગને જામ્યુકો દ્વારા સિક્સલેન બનાવવામાં આવી રહ્યાં છે. આ કામની ગતિ પણ લગભગ ઠપ્પ જેવી જોવા મળી રહી છે. લાલપુર બાયપાસ પર નિર્માણ પામી રહેલા ઓવરબ્રીજનું કામ પણ રગશિયા ગાડાંની જેમ ચાલી રહ્યું છે.

તહેવારો હતા અને કામ ધીમું પડયું. તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ હવે તહેવારોનો હેંગઓવર ઉતરી જવો જોઇએ. પહેલેથી જ વિલંબમાં ચાલી રહેલા આ કામોમાં ઝડપ લાવવા જામ્યુકોના તંત્રએ હવે વિકાસની ગાડીને ટોપ સ્પીડમાં દોડાવવાનો સમય પાકી ગયો છે. જો હવે વિકાસની ગાડીનો ગિયર બદલવામાં નહીં આવે તો, આ ગાડી પાટા પરથી ઉતરી જવાની સંભાવનાઓ પણ બળવત્તર બની જશે. જામ્યુકોના હાલના સત્તાધિશો એવું નહીં ઇચ્છે કે, નજીકના સમયમાં જ ચૂંટણી જંગમાં ઉતરવાનું છે ત્યારે શહેરનો વિકાસ ખોડંગાતો ચાલે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular