Sunday, December 22, 2024
Homeરાજ્યદ્વારકા પંથકના ખેતરોમાં હજુ વરસાદી પાણી ભરાયેલા હોય ખેડૂતોએ ખેતરમાં નૌકા હરીફાઈ...

દ્વારકા પંથકના ખેતરોમાં હજુ વરસાદી પાણી ભરાયેલા હોય ખેડૂતોએ ખેતરમાં નૌકા હરીફાઈ કરી કર્યો અનોખો વિરોધ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીએ 132 ટકા અને દ્વારકા તાલુકામાં 162 ટકા વરસાદ નોંધાયો છે. તેમાં પણ ખાસ કરીને ઓખા મંડળ વિસ્તાર અને કલ્યાણપૂર તાલુકાના કાઠી વિસ્તારના પિંડારા, મહાદેવીયા, રણજીતપુર, ગુરગઢ, ગાગા, બતળિયા, વિરપર, આસોટા નંદાણાં, રાણ, હાબરડી, ભાટિયા, બમણસા, ભટવડિયા સહિતના ગામોમાં ખેડૂતોએ ઓછામાં ઓછા બે બે વખત વાવણી કરવા છતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.

- Advertisement -

આ બાબતે જે-તે ગામોના સરપંચ દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ગત તારીખ 12 ના રોજ દ્વારકાના પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી, પાક નુકશાનીનું 15 દિવસમાં સર્વે કરવાની નહિતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી. સાથે સાથે પ્રાંત અધિકારીને જે-જે ખેતરમાં પાણી ભરાયા છે, ત્યાં નૌકા વિહાર કરવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

આ વિસ્તારના અધિકારીઓ-પદાધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં પાક નુકશાનીનું કોઈ સર્વે કરવા ન આવતા નિંદ્રાધીન તંત્રને જગાડવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા એક નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ઓખા મંડળના ગઢેચી ગામે સર વિસ્તારમાં 150 થી વધારે ખેડૂતોના ખેતરમાં આજે પણ પાણી ભરાયેલા છે, ત્યાં નૌકા હરીફાઈ કરવામાં આવી હતી. આ નૌકા હરીફાઈ શા માટે એવા સવાલના જવાબમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે “સરકારમાં રજૂઆતો કરી કરીને થાકયા. પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું ન હોય, ખેડૂતોના ખેતરમાં હોળી હરીફાઈ થાય અને જો સરકાર જાગે તો ખેડૂતોને થયેલ નુકશાની બદલ થોડું ઘણું પણ જો સહાય મળે તો ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે. ગઢેચી ગામમાં જ્યાં આ 150 થી વધારે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે, તેની નિકાલની સરકાર કોઈને કોઈ વ્યવસ્થા કરે તો ખેડૂતો સિયાળુ પાક તો લઈ શકે…”

આ કાર્યક્રમમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, યાસીનભાઈ ગજ્જણ, જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન દેવુભાઈ ગઢવી, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરિયા, મુળુભાઈ કંડોરિયા, મેરામણભાઈ ગોરીયા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ દેવરામભાઈ સોનગરા, લખમણભાઈ આંબલિયા, રમેશભાઈ કંડોરિયા, અરજણભાઈ કણઝારીયા, વિક્રમભાઈ કંડોરિયા, માલદેભાઈ ભરવાડ, વિજુભા જાડેજા, સહદેવસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

જો સરકાર આ અંગે કોઈ પગલાં નહિ લ્યે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાનું એલાન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular