નવરાત્રીનો પાવન પર્વ ગુજરાતભરમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ પર્વ દરમિયાન અનેક સ્થળોએ પરંપરાગત પ્રાચીન ગરબા અને રાસના આયોજનો યોજાય છે, જેમાં કેટલાક તો વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યા છે. જામનગર શહેરના કડીયાવાડ વિસ્તારમાં યોજાતો સ્વસ્તિક રાસ એ એવા અનોખા અને વિશ્વવિખ્યાત રાસ માંથી એક છે.
કડીયાવાડ વિસ્તારમાં આવેલ શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી છેલ્લા 5 દાયકાથી સતત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરી રહી છે. અહીં અનેક પ્રાચીન રાસ રમાય છે, જેમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર સ્વસ્તિક રાસ છે. આ અનોખા રાસમાં યુવાનો આગની વચ્ચે સ્વસ્તિક આકારમાં ખુલ્લા પગે એક તાલે રાસ રમે છે.
આ ખાસ સ્વસ્તિક રાસ માટે લગભગ 20 યુવાનો એક માસથી વિશેષ મહેનત અને તૈયારી કરે છે. તેમની આ કઠિન તાલીમ અને જુસ્સો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આગની વચ્ચે ખુલ્લા પગે રમાતો આ રાસ દર્શકો માટે રોમાંચક તેમજ અદ્ભુત અનુભૂતિ કરાવે છે.
View this post on Instagram
આયોજક સુનિલ ગોંડલિયાએ જણાવ્યું કે, સ્વસ્તિક રાસ માત્ર એક રાસ નથી, પરંતુ પરંપરા, શ્રદ્ધા અને સાહસનું અનોખું સંયોજન છે. છેલ્લા ઘણા વર્ષોથી આ રાસને જોવા માટે હજારો લોકો એકત્ર થાય છે અને દર વર્ષે તેની લોકપ્રિયતા વધી રહી છે.
નવરાત્રી દરમિયાન જામનગરના કડીયાવાડવિસ્તારમાં યોજાતો આ પ્રાચીન સ્વસ્તિક રાસ નિહાળવા માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ દૂરદૂરથી આવતા ભક્તો અને દર્શકો ઉમટી પડે છે. આગની વચ્ચે રાસ રમતા યુવાનોને જોઈને લોકો ચકિત થઈ જાય છે અને આ અનોખો દ્રશ્ય તેમના માટે યાદગાર બની રહે છે.


