જામનગર શહેરમાં બેડીગેઇટ નજીક આવેલ મીઠાઇની દુકાન ઉપરના મકાનનો જર્જરીત ભાગ ગઇકાલે બપોરના સમયે ધડાકાભેર તૂટી પડતાં દુકાનમાં નુકસાની પહોંચી હતી. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી. ઘટનાની જાણ થતાં એસ્ટેટ શાખા દોડી ગઇ હતી અને મકાનનો અન્ય જર્જરીત હિસ્સો હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં બેડીગેઇટ નજીક સુપર માર્કેટની સામે આવેલ દાણીધાર શેરીના ખુણા ઉપર આવેલી એક મીઠાઇની દુકાનની ઉપરના મકાનની ગેલેરીનો ભાગ ગઇકાલે બપોરના સમયે અચાનક ધડાકાભેર તૂટી પડયો હતો. ધડાકાના અવાજને કારણે આજુબાજુના વેપારીઓ, રિક્ષાચાલકો વગેરે દોડી આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી સુનિલભાઇ ભાનુશાળી સહિતની ટીમ તેમજ જામ્યુકોની લાઇટ શાખાનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મકાનનો તૂટેલો કાટમાળ તેમજ નહીં પડેલો વધારાનો ભાગ પણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આજેપણ મકાનના વધારાના જર્જરીત હિસ્સાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તેમજ આ અંગે મકાન માલિક સહિતનાને નોટિસ આપી જર્જરીત હિસ્સો દૂર કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ ઘટના દરમિયાન મીઠાઇની દુકાનના કાઉન્ટરને પણ નુકસાન પહોંચ્યું હતું. સદ્ભાગ્યે આ સમયે ગ્રાહક કે વેપારી કાઉન્ટર પાસે ન હોવાથી જાનહાની ટળી હતી.