આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓક્ટોબર માસને કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત અભિયાન તરીકે ઉજવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.જે અંતર્ગત આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર એમ.પી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત તારીખવાર વિવિધ વિભાગો દ્વારા વિવિધ આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા. જેમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ, સફાઈ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ધાર્મિક સ્થળોની સફાઈ, કચેરીઓ. શાળાઓ તથા આંગણવાડીની સફાઈ તેમજ બ્યુટીફીકેશન, સ્વચ્છતા અંગે નાટક તથા શેરી નાટક, વન વિસ્તારોની સાફ-સફાઈ તથા વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્કૂલ કોલેજ તથા યુનિવર્સીટીમાં પ્લાસ્ટિક ફ્રી કેમ્પેઈનનું આયોજન, માસના અંતે એકઠા થયેલ કચરાનો નિકાલ, પ્રતિમાઓ, નદી, તળાવો, કૂવાઓ, તથા વોકળાઓની સાફ-સફાઈ, જનજાગૃતિ માટે ક્વિઝ કોમ્પીટીશન, પપેટ શો, સામુહિક આરોગ્ય તપાસણી સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
બેઠકમાં શહેરી કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ તથા નગરપાલિકા કક્ષાએ સમગ્ર માસ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોનાં આયોજન સંલગ્ન અધિકારીઓ દ્વારા અધિક કલેકટર પંડ્યા સમક્ષ રજૂ કરાયા હતા તેમજ તે અંગે વિગતવાર ચર્ચાઓ કરાઇ હતી.સમગ્ર કાર્યક્રમમાં લોકો અસરકારક રીતે જોડાય અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તેવું અસરકારક આયોજન હાથ ધરવા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર રાયજાદા, નાયબ મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, યુવા વિકાસ અધિકારી રસ્તોગી, સર્વે પ્રાંત અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી,વન વિભાગ, પોલીસ વિભાગ, રમત ગમત વિભાગ તથા તમામ ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જી.પી.સી.બી. તોલમાપ વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.