નવરાત્રિના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ હવે જામનગરમાં બાય-બાય નવરાત્રિની ઈવેન્ટ દ્વારા ગરબા મહોત્સવ ઉજવાઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં શ્રી હાલાર વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન યુવક મંડલ દ્વારા બાય-બાય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં એંકર પરાગ વોરા અને ડી.જે. ચૈતન્ય કોઠારી સાથે સમસ્ત જૈન સમાજના લોકોએ પરિવાર સાથે આ મહોત્સવની મજા માણી ગરબાના તાલે ઘૂમ્યા હતાં. પ્રથમ વખત જૈન યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમસ્ત જૈન સમાજે પારિવારિક માહોલ વચ્ચે ગરબાની મજા માણી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના સ્ટે. ચેરમેન નિલેશ કગથરા અને શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરાનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, પૂર્વ શહેર અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણી પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં અને નવરાત્રિના આ પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જુગુલ વોરા, મંત્રી મનિષ સંઘવી, ટ્રઝરર કેતન મહેતા, પ્રોજેકટ ચેરમેન જલ્પેશ મહેતા, ભવ્ય શાહ, ભવ્ય શેઠ એ જહેમત ઉઠાવી હતી.