ઇંગ્લેન્ડ સામેની-ટેસ્ટ મેચની સિરીઝમાં ઋષભ પંતએ તેના ઓલરાઉન્ડ દેખાવથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેના આ દેખાવના કારણે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ(Joe Root)એ પણ આ વિકેટકીપર બેટ્સમેનની પ્રશંસા કરી છે.
રુટે કહ્યું કે પંતને બાંધી રાખવો ખૂબ મુશ્કેલ છે. તે જે રીતે બેટિંગ કરે છે તે રીતે બોલરોએ તેના પર દબાણ બનાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેનું અનુમાન એ રીતે લગાવી શકાય છે કે, તેણે છેલ્લી ટેસ્ટમાં તે બોલર સામે રિવર્સ સ્વીપ શોટ રમ્યો હતો જેણે ટેસ્ટ ક્રિકેટમાં 600થી વધુ વિકેટ લીધી છે. આ ખરેખર પંતની ક્ષમતા છે અને તેની હિંમતનું એક ઉદાહરણ છે. હકિકતમાં ઈંગ્લિશ કેપ્ટન પંતના તે શોટનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જે તેણે ચોથી ટેસ્ટના બીજા દિવસે જેમ્સ એન્ડરસનની બોલ પર રમ્યો હતો. તે પણ જ્યારે ઇંગ્લેન્ડે બીજો નવો બોલ લીધો હતો.પંતને પોતાની બેટિંગનો કેટલો વિશ્વાસ છે તેનો અંદાજ મેચ પછીના તેમના નિવેદનમાં લગાવી શકાય છે, જેમાં તેણે કહ્યું હતું કે જો તક મળે તો હું ફરીથી કોઈ ઝડપી બોલર સામે રિવર્સ સ્વીપ રમીશ.
ઇંગ્લિશ કેપ્ટને વિરોધી ટીમને દબાણમાં લાવવાની પંતની ક્ષમતાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે શ્રેણીમાં ઘણા ખેલાડીઓએ સારી બેટિંગ કરી હતી. પરંતુ પંતે આવી પરિસ્થિતિમાં જે રીતે રમ્યો તે શ્રેણીમાં મોટો ફરક પડ્યો. એક સમયે અમે ચોથી ટેસ્ટમાં અને સારી સ્થિતિમાં હતા, પરંતુ પંત અને વોશિંગ્ટન સુંદર વચ્ચેની ભાગીદારીએ અમારા માટે આગળનો માર્ગ મુશ્કેલ બનાવ્યો.
અમારી પાસે મેચ પર પકડ મજબૂત કરવાની તકો મળી હતી પરંતુ અમે તેમાં નિષ્ફળ ગયા. વાસ્તવમાં પંત અને સુંદરએ ઈંગ્લેન્ડની સામે પહેલી પારીમાં ટીમની 5 વિકેટ જલદી પડ્યા બાદ સાતમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને કારણે ભારત ઇંગ્લેન્ડ ઉપર 160 રનની લીડ મેળવી શક્યું હતું અને ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 25 રનથી હરાવવામાં સફળ રહ્યું હતું.