રાજયના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ રવિવારે બપોરે રાજકોટની મુલાકાતે આવ્યા હતાં. સંભવિત વાવાઝોડાની સામે લડવા માટે તંત્રોએ કેવી તૈયારીઓ કરી છે? તેની સમીક્ષા કરવા તેઓએ આ મુલાકાત લીધી. આ મુલાકાતમાં તેઓએ રવિવારે બપોરે પત્રકારોને જણાવ્યું કે, બધું બરાબર છે. તંત્રોએ પુરતી તૈયારીઓ કરી લીધી છે. ખાસ કરીને વિજતંત્ર કોઇપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા સજ્જ છે.
ઉર્જામંત્રીના આ નિવેદન બાદ જામનગર-રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રવિવારે સાંજે અને રાત્રે જુદા-જુદા પ્રમાણમાં વરસાદ પડયો અને સાથે સામાન્ય પવન ફુંકાયો. પવન ફુંકાતા જ સૌરાષ્ટ્રના વિજતંત્રની તમામ મોટી વાતો ખોટી પૂરવાર થઇ અને હવામાં ઉડી ગઇ.
જામનગર અને રાજકોટ સહિતના શહેરોમાં વિજતંત્રોની અસલિયત વધુ એક વખત ખુલ્લી પડી ગઇ. સામાન્ય છાંટા અને પવન શરૂ થતાં જ રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં અંધારપટ્ટ છવાઇ ગયો. સામાન્યજનો અને કોરોના દર્દીઓ તથા દર્દીઓના પરિવારજનો મહામુશ્કેલીમાં મુકાઇ ગયાં. જામનગરની વાત કરીએ તો, શહેરના મોટાંભાગના વિસ્તારોમાં અંધારા ઉતરી આવ્યા હતાં. મોટાં ભાગના ફિડરો બંધ હતાં. કલાકો સુધી શહેરીજનો પરેશાન થયાં. વિવિધ વિસ્તારોમાં આવેલી વિજ કચેરીઓએ લોકોએ લેનલાઇન તથા મોબાઇલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ વિજતંત્રના જવાબદાર અધિકારીઓનો સંપર્ક ન થઇ શકયો એવું હજારો નગરજનોને અનુભવાયું.
‘ખબર ગુજરાત’ દ્વારા જામનગરના વિજતંત્રના સિટી ઇજનેર દોશીનો સંપર્ક કરવાનો વારંવાર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેઓનો ફોન સતત બિઝી મળતો હતો. જો કે, તે પછી પણ તેઓએ સામો કોલ કરવાનું સૌજન્ય દાખવ્યું ન હતું. ત્યારબાદ ‘ખબર ગુજરાત’ દ્વારા જામનગર વિજ તંત્રના વડા સી.કે.પટેલનો ટેલિફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો. વાતચીત દરમ્યાન તેઓએ આડકતરી રીતે સ્વિકારી લીધું હતું કે, જામનગર વિજતંત્ર પાસે વિજગ્રાહકો વધુ અપેક્ષા રાખી શકે એમ નથી. જામનગર વિજતંત્રની મર્યાદાઓ તેઓએ સ્વિકારી લીધી હતી. તેઓએ એમ પણ જણાવ્યું કે, મેં ત્રણ મહિનાથી જામનગરની જવાબદારી સ્વિકારી છે. અમો બનતાં પ્રયત્નો કરી રહ્યા છીએ. પરંતુ અત્યાર સુધીમાં જામનગરના વિજતંત્રમાં જરૂરી સુધારાઓ થયા નથી.સ્થાનિક વિજતંત્રને માર્ગદર્શન પ્રાપ્ત થયું નથી. ગાંધીનગર કક્ષાએથી જામનગરને જે સુવિધાઓ મળવી જોઇએ તે મળી નથી. જેના કારણે જામનગરનું વિજતંત્ર પ્રમાણમાં પછાત રહી જવા પામ્યું છે.
જામનગરમાં રવિવારે સાંજે અને રાત્રે વિજપુરવઠાના સંદર્ભમાં વિજતંત્રના વડાએ વસવસો અને લાચારી પ્રગટ કરી હતી. અત્રે નોંધનીય છે કે, વાવાઝોડાના સંદર્ભમાં તમામ તંત્રો સજ્જ છે એવી રેકર્ડ વારંવાર વગાડવામાં આવે છે. પરંતુ વાવાઝોડાંની પહેલાં સામાન્ય વરસાદ અને પવન દરમ્યાન તંત્રની અસલી હાલત લોકો સમક્ષ આવી જતાં લોકો ભય અનુભવી રહ્યા છે કે, જામનગરમાં ધારોકે, વાવાઝોડું ફુંકાય તો શહેર અને જિલ્લાની પરિસ્થિતિ કેટલી હદે તબાહી અનુભવશે ?!
ઉર્જામંત્રીએ રાજકોટમાં રવિવારે બપોરે કહ્યુું બધું બરાબર, અને સાંજે-રાત્રે સૌરાષ્ટ્રમાં છવાયો અંધારપટ્ટ !
જામનગર-રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં તંત્રોની તૈયારીઓ ખુલ્લી પડી ગઇ