જામજોધપુર તાલુકાના પાટણ ગામ પાસે ગઇકાલે બપોરે એક કારચાલકે કાબૂ ગુમાવી દેતા રોડ પરથી નીચે ઉતરીને ત્રણ-ચાર ગડથોલિયા ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં પાછળ બેસેેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે કાર ચાલક સહિત અન્ય ત્રણ મિત્રોને નાની મોટી ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કુતિયાણા તાલુકાના મેવાસા ગામના વતની અરજણભાઈ પરબતભાઇ કરમટા (ઉ.વ.31) પોતાના મિત્ર ખાગેશ્રી ગામમાં રહેતા ગોવિંદભાઇ સાજણભાઈ ગરચર ના સાથે રાખીને રેતીના કામ માટે જામજોધપુર જઈ રહ્યા હતા. જેમાં ગોવિંદભાઈ કાર ચલાવતા હતા. ત્યારબાદ તેઓ હરસાજણ નેશ ગામ પાસે પહોંચતાં ત્યાં તેઓ સાથે અન્ય બે મિત્રો લખમણભાઇ અરજણભાઈ મોરી, તેમજ તેના મિત્ર હરસાજણ ગામના આલાભાઇ જીવણભાઈ મેવ (ગઢવી) વગેરે પણ કારમાં પાછળની સીટમાં બેઠા હતા અને જામજોધપુર જતા હતાં ત્યારે પાટણ ગામની સિમ વિસ્તારમાંથી પસાર થતા સમયે પૂલીયા નજીક કારચાલકે એકાએક કાબુ ગુમાવતા કાર રોડથી નીચે ઉતરી ગઈ હતી, અને ત્રણ ચાર ગડથોલિયું ખાઈ ગઈ હતી જેથી ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ચારેય મિત્રોને નાની મોટી ઇજા થઈ હતી. જે પૈકી પાછળની સીટમાં બેસેેલા આલાભાઇ જીવણભાઈ મેવને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. બનાવ બાદ આજુબાજુના વિસ્તારના લોકો તથા અન્ય વાહન ચાલકોએ આવીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવનીે જાણ થતા હેડ કોન્સ્ટેબલ એ.બી. જાડેજા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી જઇ આલાભાઈના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં બનાવને લઇને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.