જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સચોટ કામગીરી કરવામાં આવી રહી છે. 24*7 કલાક લોકસેવા માટે તત્પર અને ગુનેગારોને પકડવા માટે જિલ્લા પોલીસ વિભાગ સુસજ્જ છે.
તા.26 જાન્યુઆરીના રોજ જોડિયા તાલુકાના બાદનપર ખાતે 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં જિલ્લા પોલીસ વિભાગની વિવિધ 9 જેટલી પ્લાટુન દ્વારા પરેડની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ડોગ સ્કવોડ કે જે આપણી સુરક્ષા માટે સતત કર્તવ્યબદ્ધ છે, આ ટુકડીએ સુંદર પ્રસ્તુતિ કરી હતી.
જામનગર જિલ્લા પોલીસ વિભાગમાં અલગ-અલગ નસલના શ્વાનો ફરજ બજાવી રહ્યા છે. અત્યારે બેલ્જિયમ શેફર્ડ, જર્મન શેફર્ડ, ડોબરમેન, લેબરાડોર અને બિગલ બ્રીડ (નસલ) ના શ્ર્વાનો સેવા આપી રહ્યા છે. આ ડોગ સોલજર્સનો નાર્કોટેસ્ટ, ટ્રેકિંગ, એક્સપ્લોસીવ (વિસ્ફોટક પદાર્થો), સ્મેલ (ગંધ) નું પરીક્ષણ, ચીજવસ્તુઓની શોધખોળ તેમજ ગુનેગારોને ઓળખવા માટે ઉપયોગ થાય છે.
તા.26 જાન્યુઆરીના કાર્યક્રમમાં બેલ્જિયમ શેફર્ડ ડોગ સોલ્જર લીમા, લેબરાડોર ડોગ સોલ્જર સ્ટ્રાઈકર અને બિગલ ડોગ સોલ્જર એલેકઝેન્ડર દ્વારા શુટ, સેલ્યુટ, સીટ, અપ, ડાઉન, રોલ, બાર્ક અને સ્ટેન્ડઅપ જેવા વિવિધ કમાન્ડ આપવા પર સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ડોગ પ્લાટુનની ટ્રેનિંગ અને સંભાળ અને તેમની દેખરેખ માટે એ.એસ.આઈ. લાખાભાઈ મોડેડરા, હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ વિજયદાન રૂડાચ અને સમગ્ર ડોગ પ્લાટુનના કર્મયોગીગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ડોગ પ્લાટુન એ સૌ નાગરિકોની સલામતી અને સેવા માટે સતત કાર્યબદ્ધ છે અને તેમની આ સેવા પ્રશંસનિય છે.