જામનગરમાં નોટિસ આપવા છતાં જર્જરીત ઇમારતની મરામત નહીં કરાવતાં બર્ધનચોક વિસ્તારમાં કોઇચા ગલીમાં આવેલી છ દુકાનો અને એક ગોડાઉનનો જર્જરીત ભાગ આજે જામ્યુકોની એસ્ટેટ શાખાએ દૂર કર્યો હતો. આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી જામ્યુકો દ્વારા શહેરમાં આવેલી જર્જરીત ઇમારતોને સલામત તબક્કે લઇ જવા જે તે ઇમારતના માલિક અને કબજેદારને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ જર્જરીત ઇમારતના માલિક દ્વારા જામ્યુકોની નોટિસની અવગણના કરી અન્ય લોકો પર જોખમ સર્જાઇ તે રીતનું ભયજનક બાંધકામ યથાવત્ રાખતાં જામ્યુકોની એસ્ટેટ શાખાની ટુકડીએ આજે સવારે કોઇચા ગલીમાં આવેલી છ દુકાનો અને એક ગોડાઉનના જર્જરીત ભાગને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.