જામનગર મહાપાલિકાના સત્તાધિશોની અણઆવડત અને અધિકારીઓની કોન્ટ્રાકટરો સાથેની સાંઠ-ગાંઠને કારણે જામનગર શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાનો અને સત્તા મળ્યા બાદ સત્તાધિશો દ્વારા શહેરની પ્રજાને રામ ભરોસે છોડી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ કર્યો છે.
જામનગર શહેરના મેયર રહી ચૂકેલા કનકસિંહ જાડેજાએ પોતાના એક ચોંકાવનારા નિવેદનમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થુ શાસન ચાલી રહ્યું છે, વિકાસના નામ પર જનતાએ ભાજપને ભરી ભરીને મતો આપી સત્તા સ્થાને બેસાડવામાં ભાગ ભજવ્યો છે. પરંતુ સત્તા મળ્યા બાદ સત્તાધીશો દ્વારા જનતાને જાણે રામભરોસે છોડી દેવામાં આવી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. કેમ કે વિકાસના બણગા ફૂકી સત્તા મેળવ્યા બાદ શહેરની સમસ્યાઓ હલ થવાના બદલે દિવસે ને દિવસે વધી રહી છે.
શહેરમાં પ્રધાનમંત્રીના સપના સ્વચ્છ ભારત અભિયાનના લિરે લિરા ઉડાવવામાં આવી રહ્યાં છે. કારણ કે, વોર્ડનં. 2 માં ડોર ટુ ડોરની સુવિધા તો ચાલુ છે પરંતુ જે કચરો દરરોજ કલેકશન કરવાનો હોય તેની જગ્યાએ એકાતરા કલેકશન કરવામાં આવે છે. જેથી દરેક ઘરમાંથી જે કચરો કાઢવામાં આવે છે તેને એક દિવસ ઘરમાં જ સાચવવો પડી રહ્યો છે. લાગે છે કે કોન્ટ્રાકટર સાથે મીલીભગતથી આવું કામ ચલાવી લેવામાં આવી રહ્યું છે. કેમ કે દરરોજ કચરો કલેકશન ન થતાં કોન્ટ્રાકટરના એક દિવસના ફેરાના પૈસા, ગાડી ડ્રાઇવરના પૈસા, ડિઝલના પૈસા વગેરે બચાવી કોન્ટ્રાકટરને કમાવી દેવા માટે અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરી આવું ચલાવવામાં આવી રહ્યું છે.
બીજું શહેરમાં જે ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં પણ ગોકળગાયની ગતી થી કામ ચાલી રહ્યું છે. મચ્છરનગર, ગાંધીનગર, મોમાઇનગર જેવા વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી વધુ સમય થવા છતાં પાઇપલાઇના ખાડા ખોઘ્યા બાદ રોડનું પેચવર્ક ન થવાના કારણે ખાડા પરના પથ્થરો રોડ પર વિખેરાઇ રહ્યાં છે. કંપનીની જવાબદારી એ છે કે કામ પુર્ણ થયા બાદ આ ખાડા પર તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે. પરંતુ એવું થઇ રહ્યું નથી તેથી રહેવાસીઓ અત્યંત પરેશાની ભોગવી રહ્યાં છે. આ અંગે તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે.
હાલ લોકડાઉન બાદ અને ઉનાળાની ગરમીને કારણે લોકો રાત્રીના સમયે શહેરમાં ફરવા માટે નીકળી રહ્યાં હોય, પરંતુ શહેરમાં વિકાસના નામ પર અને શુસોભન ના નામે બનાવવામાં આવેલા ટાઉનહોલ સર્કલ, જીલ્લા પંચાયત સર્કલ, ડીકેવી સર્કલ સહિત એક પણ ફુવારા ચાલુ હાલતમાં નથી. કરોડોના ખર્ચે બનાવાયેલ સર્કલમાં લાઇટો પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. આ ફુવારા અને તેમાં લાગેલી લાઇટો તાત્કાલિક ધોરણે ચાલુ કરી વિકાસનો હેતુ સિધ્ધ થાય તે માટે મહાનગરપાલિકાએ આંખ ઉઘાડી કામ કરવું જરૂરી બને છે. કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ જો બ્યુટિફિકેશન ના નામ પર મીંડુ જ હોય તો પછી આ બ્યુટિફિકેશનની જરૂર શું ???? પ્રજા સુવિધાના નામે મત આપતી હોય તો પ્રજાને સુવિધા આપવાની જવાબદારી પણ શાસકોની છે.