ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોરોનાને હરાવ્યો છે અને રવિવારે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરાયા હતા. બે સપ્તાહ પૂર્વે નાયબ મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એડમિટ કરવામાં આવ્યા હતા. નીતિન પટેલ (ઉ.વ.64)ને અમદાવાદની યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
15 દિવસ સુધી કોરોનાની સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આજે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈશ્વરાની કૃપા અને તમામ લોકોની શુભેચ્છાથી આ શક્ય બન્યું છે. હું ઝડપથી રિકવર થઈ રહ્યો છું.
નીતિનભાઈએ યુ એન મહેતા હોસ્પિટલના તમામ ડોક્ટર્સ અને સ્ટાફ સભ્યોનો આભાર પણ માન્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે તબીબોએ હાલમાં આરામ કરવાની સલાહ આપી છે અને તે માટે તમામ લોકો સહકાર આપશે તેવી અપીલ પણ તેમણે કરી હતી.